આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક


એ જોનને પ્રવાસ કરવા માટે સૌથી વધારે ઉચિત લાગ્યું. વળી દુશ્મનોને ખબર ન પડે, તેથી તેણે અમારો નીકળવાનો દિવસ છુપો રાખવા કહ્યું. અંતે તે બોલી “હવે કંઇ રહી જતું નથી. આપણે ત્રેવીસમી તારીખે રાત્રિના અગિયાર વાગે અહીં થી ઉપડીશુ.”

બધાં અજબ થયાં; કારણ કે તારીખ ચોક્કસ કરવી, એ અધિકાર સુબાના હાથમાં હતો, નહિ કે જોનના હાથમાં.

તોપણ અમે બધાં તાબે થયાં. જોનનાં માબાપ તેને ત્રેવીસમી તારીખ પહેલાં મળી જવાનાં હતાં.

ત્રેવીસમીનો આખો દિવસ તેણે પોતાનાં કુટુંબીઓ માટે રાહ જોઈ, પણ કોઈ આવ્યું નહિ. જોનની આંખમાં આંસુ આવ્યાં, તોપણ તેણે કહ્યું કે “કંઈ નહિ, કંઇ નહિ. એમજ નિર્માયું હશે. આપણે અગીઆર વાગે ઉપડીશું જ.” અને એમ થયુંજ. રાત્રે દશ વાગે સુબાએ આવી જોનને લેખિત સરકારી હુકમ આપ્યો, અને પોતાની તરવાર જોનની કમ્મરે બાંધીને કહ્યું કેઃ—

“તેં કહ્યું તે સાચું પડ્યું. લડાઈ આપણે હાર્યાજ હતા. મેં મારું વચન પાળ્યું છે.” જોને તેનો આભાર માન્યો, અને તે ચાલ્યો ગયો.

ઇતિહાસમાં જે હેરીંગ્સના યુદ્ધને નામે પ્રખ્યાત છે, તેજ એ યુદ્ધ હોઈ તેમાં ફ્રેંચો હાર્યા હતા.

ઘરમાં એકે એક દીવો બૂઝાવી નાખવામાં આવ્યો. જ્યારે રસ્તાઓ અંધકારમાં કાળા દેખાવા લાગ્યા અને બધું શાંત થઈ ગયું, ત્યારે અમે છુપા છુપા ગામબહાર નીકળ્યા, અને જરાક છેટે જઈ ઘેાડા પૂરપાટ દોડાવી મૂક્યા.

(૩)

બધા મળી અમે પચીસ માણસ હતા, અને એમાં પણ ઘણા અશિક્ષિત ખેડુતો હતા. બે ત્રણ કલાક તો અમે શત્રુઓના પ્રદેશમાં જવું ચાલુ રાખ્યું, પણ પછી જેણે કોઈ દિવસ હાડમારી વેઠી ન હતી તે થાકી ગયા. જોનને ખબર નહોતી કે સુબાએ આવા પણ માણસોને રસાલામાં રાખ્યા હતા, જોને ખુશી પડે તો તેઓને ગમે ત્યાં જવા રજા આપી; પણ તેઓએ તે માગણી નાકબૂલ રાખી. પછી અમે અમારી ઝડપ ઓછી કરી. મળસ્કું થયું કે અમે એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. જમીન ભીની હતી, છતાં બધા થોડી વારમાં મીઠી નિદ્રામાં પોઢી ગયા. આવી મીઠી નિદ્રા