આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

 રાખી અદબ વાળી તે સાંભળતી હતી. કારણ કે તે પરમેશ્વર અને તેના ભક્તો પ્રત્યે હમેશાં નમ્ર રહેતી. જ્યારે બોલવાનું પૂરું થઈ રહ્યું ત્યારે તેણે માથુ ઉંચુ કર્યું અને બધા પાદરીઓના મોં તરફ કંઇ પણ ભીતિવગર ટીકી ટીકીને જોયું. પછી મર્યાદાભરેલી રીતે તેણે જવાબ વાળ્યો કેઃ–

“મહેરબાન સાહેબો ! તમે મને માફ કરશો. મારો સંદેશ તો માત્ર રાજા માટેજ છે.”

એક પણ માણસ બોલ્યું નહિ; એક પળ તો બધા મૂંગા થઈ ગયા ! ધર્મમંડળનું મોં લેવાઈ ગયું. પછી તે મંડળના અધ્યક્ષ તરફથી ભાષણ ચાલ્યું:—

“રાજાએ પસંદ કરેલા પુરુષોને રાજાની ઈચ્છા પ્રમાણે તમારો સંદેશો તમે નહિ કહો ?”

“મારે જે કહેવાનું છે, તેને માટે પરમેશ્વરે રાજાનેજ નીમ્યો છે, નહિ કે બીજા કોઈને. તમે તેને એટલું જણાવજો કે, હું કંઈ અહીં વાત કરવા આવી નથી, પણ ઓર્લિયન્સને સ્વતંત્ર કરી તેનો રેમ્સમાં રાજ્યાભિષેક કરવા આવી છું.”

ધર્માધ્યક્ષોને ક્રોધ ચઢ્યો. તેઓ ચાલ્યા ગયા, ત્યારે અમે નમન કરી ઉભા રહ્યા.

જોને આવી સરસ તક ગુમાવી, તે જોઇને અમે બધાં અજબ થયાં, પણ તેણે અમારી શંકા દૂર કરી.

“તેઓ કોના તરફથી હતા ?”

“રાજા તરફથી.”

“રાજાને કોણે તેમને અહીં મોકલવા કહ્યું ?”

“રાજ્યસભાએ.”

“તેની રાજ્યસભા આપણા પક્ષમાં છે કે આપણા વિરુદ્ધમાં ?”

“વિરુદ્ધમાં.”

ત્યારે અમને ખબર પડી કે અમે બધા મૂર્ખ હતા, અને તે ડાહી હતી. જોને ખુલાસે ચાલુ રાખ્યો:—

તેઓમાં ઘણીજ થોડી અક્કલ છે. આપણે સંદેશો કહીએ, તેમાં તેઓ ફેરફાર કરી નાખે અને આપણી વાત રાજા આગળ કંઈ ભિન્ન પ્રકારના રૂપમાં મૂકે. આવી રીતે તેઓએ આપણને ફસાવવા ધાર્યું હતું. આપણે પણ ક્યાં એવાં નાદાન છીએ ? ભય રાખશો નહિ. હુંજ યુવરાજને નજરોનજર મળીશ.”