આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ઓર્લિયન્સ તરફના ઉપયોગી કિલ્લાઓ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું, અને એમાં તેઓ ફાવે તો પછી બીજા વધારે મજબૂત કિલ્લાઓ લેવાનો ઠરાવ કર્યો. આવી રીતે સેલોન સુધીની બધી હદ ફ્રેન્ચોના તાબામાં આવી જતી હતી. તેઓએ આ યોજના જોનથી છુપી રાખવા ધાર્યું.

પણ જોને અચાનક આવી તેઓએ શો નિશ્ચય કર્યો હતો તે પૂછ્યું. તેઓએ ઉત્તર વાળ્યેા કે ‘કાલે અમારો વિચાર ઓએલિંયન્સ તરફના કિલ્લાઓ ઉપર હુમલા કરવાનો છે.’

“વારૂ, પછી ?”

“પછી ? કંઈ નહિ.”

“તમે મૂર્ખ થયા છો ! એ બાજુના કિલ્લા લઇ તમે શું કરશો ?”

સર્વેએ નાની નાની અને પ્રશ્ન સાથે સંબંધ વિનાની બાબતો કાઢવા માંડી, જોને તેઓને અટકાવીને કહ્યું:—

“તમે ખાલી મફતના વિઘ્નવાળી યોજનાઓ શોધી વખત ગુમાવો છો, એટલું જ નહિ પણ એ ઉપરાંત ઘણું નુકસાન કરાવો છો. વળી મારાથી બધું છુપાવો છો. પ્રભુનું નામ લઈને હું કહું છું કે, અંગ્રેજોને ત્રણ દિવસમાં ઓર્લિયન્સમાંથી જશે !”

“જરાક ડહાપણ તો વાપરો” ચારે બાજુથી અવાજો ઉઠ્યા.

“ડહાપણ વાપરીને ભૂખે મરવું ? આને તમે શું લડાઇ કહો છો ? પૂલ ઉપરના કિલ્લાઓ આપણે પહેલા લેવા જોઈએ. જો આપણે ડાહ્યા હોઈશું તો એમજ કરીશું, તમે બધા એક દિવસ નકામો ગુમાવવા ધારો છો ?”

સભાનો અધ્યક્ષ બોલ્યો– “બાપુ ! ઉતાવળે આંબા ન પાકે. ધીમે ધીમે બધુ થાય. સઘળા કિલ્લા કંઇ હુમલો કરીને લેવાય છે?”

“હા, શું કામ ન લેવાય ? મારો એ હુકમ છે. દક્ષિણ તરફના કિલ્લાઓ ઉપર કાલે પરોઢીએ આપણે જઈશું.”

“અને તેના ઉપર હુમલો કરીશું ?”

“હા, હુમલો કરીશું.”

બખ્તર ખખડાવતો હાયર એટલામાં આવ્યો. તેણે છેલ્લા શબ્દો સાંભળ્યા હતા.

“મારા સરદાર ! એજ સાચા શબ્દો છે ! આપણે હમલો કરી બાહુબળથી જીતીશું.”

પછી જોન ચાલી ગઇ.હાયરે સભામાં પોતાનો વિચાર દર્શાવ્યો:–