આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

દુઃખી દેવીની માફક સભામાં ચાલી આવી. અજ્ઞાન ખેડુતો સાથે વાત કરતી તે જોન કંઈ આ જોન નહોતી. તે એકદમ સભાને મોખરે આવી ઉભી રહી. દરેકે દરેક ચહેરા ઉપર તેણે શાંતિથી નજર ફેરવી. ક્યાં ઘા કરવો, તે તેણે જાણી લીધું. નમન કરીને તે બોલી :–

“મને મારા સરદારો સાથે વિચાર કરવાનું કામ નથી, તેમ મારે મંત્રીમંડળ સાથે પણ કામ નથી. યુદ્ધસભા ! શાને માટે એ જોઈએ ? જ્યાં એક જ માર્ગ હોય ત્યાં શું વિચારવું ? આ સભા મળી છે, તેમાં વળી શેનો ઠરાવ કરવો ? આ બધું નકામું ધાંધલ અને બધી નકામી ચિંતા શામાટે વહોરી લેવી ?”

આટલું કહી તે અટકી. સભા સચેત થઈ. જોને વળી પાછું બોલવું શરૂ કર્યું :– “જે માણસ બુદ્ધિશાળી છે, જે રાજ્યપ્રતિ વફાદાર છે. તેને ખબર છે કે હવે એક જ માર્ગ ખુલ્લો છે, અને તે એ કે પારીસ તરફ કૂચ કરવી !”

હાયરે તુરતજ જુસ્સામાં મુક્કી પછાડી. સરદારોનું લોહી જોરથી વહેવા લાગ્યું. પોતાની વિરુદ્ધ કોઈ બોલે છે કે નહિ તે સાંભળવા જોન ઉભી રહી. એવામાં ન્યાયમંદિરના કારસ્તાનમાં પ્રવીણ વડાએ જાણે સમજાવતો હોય એમ હસતાં હસતાં કહ્યું :–

“મહેરબાન સાહેબ ! ડ્યુક ઑફ બરગન્ડીને પછી આપણે શું ઉત્તર દઈશું ? તે આપણી સાથે વગર વિલંબે સલાહ કરવા તૈયાર છે, એટલું જ નહિ પણ પારીસ આપણને આપવા માગે છે, પછી આપણે નકામી ખટપટમાં શું કામ પડવું જોઈએ ?”

જોન તુરતજ તેના તરફ ફરી ગંભીરતાથી બોલી :–

“તમારા કાવાદાવા અહીં ખુલ્લા પાડવાની જરૂર નથી.”

“કાવાદાવા ? !”

“હા.”

સરદારો ગાજી ઉઠ્યા. રાજા ખુશી થયો. ન્યાયમંદિરના વડાએ ઇન્સાફ માગ્યો, પણ રાજા બોલ્યો :–

“જોનને યુદ્ધની બાબતો અને રાજદ્વારી બાબતોમાં પોતાનો અભિપ્રાય આપવાનો હક્ક છે. આપણે તેનું કહ્યું પણ સાંભળીશુ; હજી તો તે મત આપે છે.”

પેલો બિચારો નિરાશ થઈ ગયોયેા. જોને આગળ ચલાવ્યું :– “હું તમારું બધું કારસ્તાન જાણું છું. જ્યારે ફ્રાન્સના હક્કમાં કંઈ ખરાબ થાય, ત્યારે કયા બે દુષ્ટોનાં નામ દેવાં તે સૌ જાણે છે.”