આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

રાખવાનો અધિકાર હતો. જોનને આ નિયમની ખબર નહતી અને તેવી ખબર તેને તે જણાવનારૂં પણ કોઈ નહોતું; તોપણ તેણે બીજી રીતે મદદ માગી. કોશને તે આપવા ના પાડી. જોને વિનતિ કરી, કાલાવાલા કર્યા, પોતાના કાયદાઓના અજ્ઞાનનો મુદ્દો રજુ કર્યો; પણ તે એકનો બે થયો નહિ. તેનું હૃદય પથ્થર જેવું હતું.

પછી તેણે જોનના ગુન્હાઓની યાદી તૈયાર કરી. ગુન્હાઓ ! ગુન્હાઓની નહિ, પણ વહેમોની અને લોકવાયકાઓની, જોનના ઉપર અધર્મનો અને સેતાની વિદ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ધર્મને બહાને તેનું નિકંદન કરવાનોજ તેનો આશય હતો. જોનને મૂર્તિપૂજક ઠરાવી મારી નાખવાથી તેની અપકીર્તિ થાય અને પોતાને માથે દોષ ન આવે એવી તેની ધારણા હતી.

ડ્યુક ઑફ બરગન્ડી સઘળું જાણતો હતો; પણ તેણે જોન ઉપર મુકદ્દમો ચલાવ્યો નહિ, કારણ કે તેની ખાત્રી હતી કે, ફ્રેન્ચ રાજા અથવા ફ્રેન્ચ પ્રજા તેને અંગ્રેજો કરતાં વધારે પૈસા આપશે.

વાટ જોતાં જોતાં અઠવાડીઆં ઉપર અઠવાડીઆં વહી ગયાં, પણ ફ્રાન્સ તરફથી કોઈ સળવળ્યું નહિ.

એક દિવસ જોન ચોકીદારને છેતરી છટકી ગઈ અને પોતાને બદલે તેને અંદર પૂરી રાખ્યો; પણ તેને એક સંત્રીએ નાસી જતાં જોઈ અને પાછી પકડી.

પછી તેને વધારે મજબૂત કિલ્લામાં પૂરવામાં આવી. તે કિલ્લો જમીનની સપાટીથી સાઠ ફીટ ઉંચો હતો. અહીં અઢી મહીના વીતી ગયા; પણ કંઈ મદદ આવી નહિ. આ અરસામાં તેને ખબર હતી કે અંગ્રેજો મારો વિનાશ ઇચ્છે છે અને કૃતઘ્ન ફ્રાન્સ તદ્દન ચૂપ છે – રાજા પણ ચૂપ છે – અરે ! મિત્રો, મિત્રો પણ ચૂપ છે. ખરેખર આ દયાજનક હતું; તોપણ જ્યારે જોનને વિદિત થયું કે, કમ્પાઅન ઉપર ફ્રાન્સ ઘેરો ઘાલે છે અને તેની સ્થિતિ સારી નથી, ત્યારે તેણે કારાગૃહમાંથી નાસી જવા પ્રયત્ન કર્યા. બિછાનાનાં વસ્ત્ર તાણી તોડી તેણે બાંધ્યાં અને રાત્રે કિલ્લા ઉપરથી ઉતરી; પણ દોરી વચ્ચેથી તૂટી અને તે નીચે પડી. આ બનાવ પછી ત્રણ દિવસ તે ખાધાપીધા વગર બેહોશ પડી રહી.

સારે નસીબે અમને કુમક આવી પહેાંચી. કમ્પાઅન આગળ શત્રુઓ હાર્યા. બરગન્ડી હવે ખરી સંકડાસમાં આવ્યો, પણ અફસોસ ! ફ્રાન્સ બોલ્યું ચાલ્યું નહિ.