આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

એકાંતમાં રાખેલો તે એક માંચડો હતો. સજ્જ થયેલા – શસ્ત્ર સજેલા – સિપાઇઓ આ માંચડાની બંને બાજુ ઉભા હતા. તે સિવાય ત્યાં બીજુ કોઈ નહોતું. આ નાનો બાંકડો જોઈ મારૂં હૈયું ચીરાઈ જતું હતું, કારણ કે હું જાણતો હતો કે તે કોને માટે છે.

હવે તે થાકી ગઇ હશે. લાંબી કેદખાનાની વેદનાથી તેનું વદનકમળ કરમાઈ ગયું હશે. તેની શક્તિ જતી રહી હશે. હા ! હવે જોન ઑફ આર્કની શી વલે થશે ?

જ્યાં ત્યાં ઝીણી ઝીણી વાતો સંભળાતી હતી. જમીન સાથે શ્રોતાઓના પગ ઘસડાતા તેના નાદ કાને પડતા હતા. એવામાં અચાનક આજ્ઞા કરવામાં આવી :–

“ગુન્હેગારને હાજર કરો !”

મારો શ્વાસ રૂંધાઈ ગયો; મારું હૃદય હથોડાની માફક ધબકવા લાગ્યું.

શાંતિ હતી – સર્વત્ર શાંતિ હતી. અવાજ અટક્યા. શાંતિ હજી વધારે ગંભીર થવા લાગી. લોકોનાં મન સ્તબ્ધ થઈ ગયાં. સઘળી આંખો બારણા તરફ વળી. ખરેખર ત્યાં ઉભેલી, બે શબ્દના નામવાળી, દુનિયાને ચકડોળે ચઢાવનારી તે મૂર્તિને જોવા તલપી ૨હેલા લોકો વધુ તલપવા લાગ્યા.

શાંતિ ચાલુ રહી. છેટેથી દાદર ઉપર ધબ ધબ અવાજ સંભળાયો. અવાજ પાસે આવ્યો અને જોન ઑફ આર્ક – ફ્રાન્સને સ્વતંત્ર કરનારી દેવી – કેદીતરીકે આવીને ઉભી રહી.

મારૂં મસ્તક ફરવા લાગ્યું; મને ચક્કર આવવા લાગ્યા. લોકોનાં રૂવાં ઉભાં થયાં. શ્વાસોશ્વાસ પણ સંભળાવા લાગ્યો.

બે પહેરેગીરો જોનથી થોડેક છેટે ચાલ્યા આવતા હતા. જોનનું માથું થોડુંક નમેલું હતું. તે ધીમેધીમે પગ ઉપાડતી હતી. કારણ કે અશક્ત હોવા ઉપરાંત તેના હાથ સાંકળથી બાંધેલા હતા. તેણે કાળો પુરુષનો પોશાક પહેરેલો હતો.

હજી બાંકડાથી તો તે છેટે હતી, એટલામાં તે અટકી અને ઉંચું જોયું. બીજી વાર બધું સ્તબ્ધ ! જોનના ચહેરા ઉપર રંગ નહોતો; તે બરફ જેવો ઉજળો હતો, મુગ્ધ હતો, પવિત્ર હતો, સુંદર હતો, મનોરમ હતો, શોકાતુર પણ મીઠો હતો. જ્યારે જોનનો આ ચહેરો ન્યાયાધીશ તરફ વળ્યો, ત્યારે તે ચહેરા ઉપરની દિલગીરી જતી રહી. જોને હિંમતથી છાતી બહાર કાઢી.