આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મહાન સાધ્વીઓ

એના ઉપર થતા અત્યાચારનું નિવારણ કરનાર કોણ હતું ? રાજકુમારી દુ:ખ અને કષ્ટના એ દોહ્યલા દિવસોના પ્રતાપે ઈશ્વરના ધ્યાનભજનમાં પોતાનું ચિત્ત વિશેષ ને વિશેષ જોડતી ચાલી અને તેમાંજ મગ્ન થવા લાગી. એ ઉપરાંત (૧) શાંતભાવ, (૨) વિનય, (૩) સહનશીલતા અને (૪) મૈત્રી, એ ચાર તેમના સાધનના વિષચ હતા. એ ચાર ગુણ પ્રાપ્ત કરવા સારૂ તે નિરંતર ઈશ્વરની આગળ પ્રાર્થના કરતી. એ સમયમાં જે ઘટનાઓ બની હતી તેમાંથી બેએકનો અત્રે ઉલ્લેખ કરીએ છીએ.

એક દિવસ એક ખ્રિસ્તી તહેવાર આવ્યો. એ દિવસે રાણીની આજ્ઞાથી ઇલિઝાબેથે સારાં વસ્ત્રાભૂષણો પહેર્યાં. એના અંગ ઉપર સોનેરી ભરતકામવાળો કિંમતી પોશાક તથા મસ્તક ઉપર મણિમુક્તાયુક્ત મુકુટ શોભવા લાગ્યો. બરોબર રાણીના વેશમાં એણે ઉપાસનામંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ એકાએક મૃત્યુને માટે તૈયાર થતા ઇસુ ખ્રિસ્તની છબી તરફ તેની દૃષ્ટિ પડી. તરતજ એ માથા ઉપરનો મુકુટ ઉતારી નાખીને મસ્તક નીચું નમાવી સજળ નયને પ્રાર્થના કરવા લાગી ગઈ. તેના લાંબા અને સરસ રીતે ઓળેલા કેશ પીઠ, લલાટ અને મુખ ઉપર વીખરાઈ ગયા. રાણી સોફિયાએ આ દૃશ્ય જોઇને કર્કશ સ્વરે કહ્યું કે “શું તારાથી મુકુટનો ભાર પણ ખમાતો નથી કે ? શામાટે આમ અંબોડો છોડી નાખીને ઉઘાડે માથે બેઠી છે ? તારો આવો વેશ જોઈને લોકો કેટલી નિંદા કરી રહ્યા છે તે સાંભળતી નથી ?”

ઇલિઝાબેથે નમ્રતા અને વિનયપૂર્વક કહ્યું કે “ભગવાન ઈસુ ખ્રિસ્તના મસ્તક ઉપર કાંટાનો મુકુટ જોઉં છતાં હું તેમની છબીની સામે સોનાનો મુકુટ પહેરીને ઉપાસના કરૂં ? એમ કર્યાથી શુ પ્રભુનું અપમાન નહિ થાય ? મારાથી તો એવું બની શકશે નહિ, મને માફ કરજો.”

આટલું બોલતાંજ ઈલિઝાબેથને મૃત્યુસમયે ઈસુ ખ્રિસ્ત ઉપર ગુજરેલા ત્રાસનું સ્મરણ થતાં તેમના ચક્ષુમાંથી જળધારા વહેવા લાગી. રાણી સોફિયાની કન્યા રાજકુમારી એગ્નેસને ઇલિઝાબેથની આ વર્તણુક જરા પણ પસંદ નહોતી પડતી. તેણે એક દિવસ બાલિકા ઇલિઝાબેથને મોંએ કહ્યું કે “જો આવુંજ રાખશો તો તમારે મારા ભાઇની પત્ની થવાની આશા રાખવી નહિ. તમે તો આ રાજમહેલમાં ચાકરડી થાઓ એવાંજ છો.”