આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
મહાન સાધ્વીઓ

પેઠે ક્રૉસ ધારણ કર્યો. આ દૃશ્ય જોઈને ઇલિઝાબેથથી સ્થિર રહી શકાયું નહિ; એ એકદમ મૂર્ચ્છા ખાઈ ગયાં. મૂર્ચ્છા વળ્યા પછી હોશ આવતાં એ સરળ હૃદયનાં રમણી સ્વામીના સ્નેહભર્યા મુખ સામે એકીટશે જોઇ રહ્યાં. એજ ઇલિઝાબેથે ઘણી નાની વયમાં પિતામાતાના સ્નેહથી વંચિત થઈને શ્વસુરગૃહમાં વાસ કર્યો હતો, પણ આજ એમની આ અવસ્થા ! એમને આજે એમ લાગ્યું કે, સ્વામીના દર્શન વગર આ ખાલી રાજનગરીમાં હું કેવી રીતે વસી શકીશ? ન કરે પ્રભુ અને સ્વામી રણક્ષેત્રમાંથી પાછા ન ફરે તો ? એ વાતનો વિચાર સરખો પણ લાવતાં ઇલિઝાબેથના પ્રાણ ઉડી જતા. આંસુથી રાણીનાં નયનો ભરાઈ ગયાં. રાજા લૂઈ આજે કયા શબ્દોથી રાણીને સાંત્વના આપે ? ઘણો વિચાર કરીને તેમણે એક ઉપાય શોધી કાઢ્યેા. તેમણે રાણીને કહ્યું “હું ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આકર્ષાઈને તેના ધર્મના રક્ષણ સારૂ યુદ્ધમાં જાઉં છું. એ તો ઈશ્વરનું જ કાર્ય છે.”

ઇલિઝાબેથ બોલ્યાં “સ્વયં ઈશ્વરે જો તમને આ કાર્ય કરવા સારૂ પસંદ કર્યા હોય તો હું તમને અહીં રહેવાનું કેવી રીતે કહી શકું ? તમે ઈશ્વરની સેવા કરો. એ તમને શક્તિ આપો. મેં તમારૂં તથા મારી જાતનું ઇશ્વરની સેવામાં સમર્પણ કર્યું છે. તેની કરુણા તમારી સંગે ને સંગે જ રહેજો. હું સર્વદા તમારે સારૂ પ્રાર્થના કરીશ; માટે જાઓ, ઇશ્વરના નામે ચાલ્યા જાઓ. તેની ઈચ્છા પૂર્ણ થાઓ.”

“રાજા લૂઈને યુદ્ધમાં જવાનો દિવસ નક્કી થયો. તેમણે રાજ્યના અમલદારો તથા પ્રજાજન પાસે વિદાય માગી, સગાંસંબંધીઓ પાસે પણ વિદાય લીધી. હવે જનની અને પત્નીની પાસે વિદાય માગવાનો વારો આવ્યો. એ વખતે કેવીએક અવ્યક્ત વેદનાથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેનું વર્ણન કોણ કરી શકે ? ગંભીર ભાવે જનની અને પત્નીની સન્મુખ તે ઉપસ્થિત થયા. ત્યારપછી એક હાથ માતાના ખભે અને બીજો પત્નીના ખભા ઉપર મૂક્યો. તેમના રૂંધાયલા કંઠમાંથી અર્ધા કલાક સુધી એક પણ વાત નીકળી શકી નહિ. થોડી વાર પછી તેમણે આત્મસંવરણ કરીને જનનીને કહ્યું કે “મા ! તમારી દેખરેખનો ભાર મારા બે ભાઈઓના ઉપર આવી પડ્યો છે. પરંતુ ઇલિઝાબેથને તો તમારાજ હાથમાં સોંપુ છું . તેના મર્મસ્થાનમાં કેટલી બધી વેદના છે, તે તમારા વગર