આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમાધિને સારૂ એમના મૃતદેહને સ્મશાનભૂમિમાં લઇ જતી વખતે પાદરી લોકો ધર્મસંગીત ગાવા લાગ્યા, પરંતુ સેંકડો દીનદુ:ખીઓના વિલાપમાં એ સંગીત વિલીન થઇ ગયું.

ઇલિઝાબેથ પ્રત્યે જે લોકોની અતિશય ભક્તિ હતી, અત્યંત પ્રેમ હતો, તે લોકો આ પુણ્યશીલા સાધ્વીના દેહાંત પછી તેમના ઘરમાં બેસીને અનુભવવા લાગ્યા કે, જાણે એ મહા તપસ્વિનીના જીવનકુસુમની સૌરભથી આખું મકાન ભરપૂર છે. જાણે હજુ પણ એ ગાઈ રહ્યાં છે કે :–

“મારા પ્રભુને ચરણે, રાજ્ય અને ગૌરવ મારું;
ત્યાગ કર્યો સર્વસ્વનો, ગણીને તુચ્છ અસાર.
મેં તેને દેખ્યો છે, તેને ચાહ્યો છે, અને વિશ્વાસ કર્યો છે કે એ – એજ છે સર્વસ્વ મારું.”

રેવરંડ એલ્બાન બટલર સાહેબનો ‘સંતજીવની’ નો ગ્રંથ વાંચ્યાથી માલમ પડે છે કે, ઇલિઝાબેથના મૃત્યુ પછી ચાર વર્ષે, રોમના પોપે તેમને ‘સેઈન્ટ’ (સાધ્વી) ગણવાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. ઈ. સ. ૧૨૩૬માં ઇલિઝાબેથના સમાધિસ્થળમાં એક ખાસ અનુષ્ઠાન થયું. સમ્રાટ્ દ્વિતીય ફ્રેડરિકે પોતાને હાથે તેમની સમાધિ ઉપર એક કિંમતી સુવર્ણ મુકુટ સ્થાપિત કર્યો. એ સમયે ઇલિઝાબેથનો પુત્ર રાજકુમાર હારમેન, કન્યા સોફિયા અને જાર ટ્રેડ અનુષ્ઠાનમાં હાજર હતાં. તેમની સૌથી નાની કન્યા જનનીની પવિત્ર સ્મૃતિ હૃદયમાં ધારણ કરીને સંન્યાસિની થઈ હતી.