આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
સાધ્વી કેથેરિન

આ મહાન સાધ્વીની આવી ઉન્નત આધ્યાત્મિક અવસ્થાના સંબંધમાં ‘કુમારી કેથેરિન’ ગ્રંથનો લેખક લખે છે કે :–

“પુણ્યના પ્રકાશથી કેથેરિનનું આખું જીવન ઉજ્જ્વલ થયું હતું. શાન્તિ અને આનંદામૃત તેમના હૃદયમાં નિત્ય વિદ્યમાન રહેતાં. કેથેરિનના ભાવ અને રૂપમાં પણ અંતર પડી ગયું હતું. સ્વર્ગીય વિમલ જ્યોતિવડે તેમનાં ચક્ષુ રાતદિવસ પ્રભુનાં દર્શન કરતાં. તેમને સમાધિ થવા લાગી. ઈશ્વરદર્શનથી તથા પ્રભુના નામશ્રવણથી પણ એમનું મન એટલું બધુ તલ્લીન થઈ જતું કે તેમને બહારનું ભાન મુદ્દલ રહેતું નહિ, અને શરીર જરા પણ હાલ્યા ચાલ્યા વિના મડદા જેવું સ્થિર થઈ રહેતું – તેમનો આત્મા શ્રીહરિના પ્રેમાસ્પદ સ્વરૂપમાં હરાઈ જતો – ડૂબી જતો – તદ્‌રૂપ થઇ રહેતો – તન્મય બની જતો.

પરંતુ આ તપસ્વિની નારીનું શરીર યુવાવસ્થામાંજ લથડી ગયું. તેમણે પરલોકયાત્રાને માટે તૈયારી કરવા માંડી. આખરે ઈ. સ. ૧૩૮૦ ની ૨૯ મી એપ્રિલનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે કેથેરિને પોતાની પાસે બેઠેલાં સ્ત્રીપુરુષ પાસે એકે એકે વિદાય માગી. ત્યારપછી એમના કંઠમાંથી ફક્ત એકજ વાક્ય નીકળ્યું કે, “.... હે પ્રભો ! તમારા હાથમાં મારો આત્મા સમર્પણ કરું છું.”

કેથેરિનનું એ છેલ્લું વાક્ય હતું, એ વચન બોલવા સાથેજ તેમણે દેહત્યાગ કર્યો. એમના આત્માએ પ્રભુના અલૌકિક ધામમાં પ્રયાણ કર્યું. એ સમયે તપસ્વિનીનું વય કેવળ તેત્રીસ વર્ષનું હતું.

કેથેરિનના મૃત્યુ પછી ઈ. સ. ૧૪૬૧ માં રોમના પોપે તેમને ‘સેઈન્ટ’ (સાધ્વી) ગણવાનું એક જાહેરનામું બહાર પાડ્યું. તેમના જીવનના સંબંધમાં પાદરી બટલર લખે છે કે :– “તેમણે જગદીશ્વર તરફથી કેવો ઉંડો આનંદ અને આશ્ચર્યકારક કૃપા પ્રાપ્ત કર્યા હતાં ! ઈશ્વરે તેમનાદ્વારા કેવાં અસામાન્ય અને વિચિત્ર કાર્યો કરાવ્યાં ! એ આપણે સારૂ તેમના જીવનનો ઉત્તમ આદર્શ મૂકતાં ગયાં છે અને તે ઉપરાંત મૂકી ગયાં છે – છ પ્રબંધ, કુમારી મેરીસંબંધી એક ઉપદેશ અને ચોસઠ પત્ર કે જે તેમની પ્રતિભાના નમુનારૂપ છે.”