આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વીરબાળાના ચમત્કારથી આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ છીએ. દિવસ અને રાત્રિમાં જેટલી ભિન્નતા છે, તેટલીજ ભિન્નતા જોન અને તેના જમાનાનાં માણસો વચ્ચે હતી. દેશમાં સર્વત્ર અસત્યની પ્રબળતા હતી, ત્યારે તે સત્યથી ભરપૂર હતી; પ્રમાણિકતાનું કોઈ નામ ન જાણતું, ત્યારે તે પ્રમાણિક હતી; સત્યનિષ્ઠાની આશા કોઈ તરફથી ન રખાતી, ત્યારે તે સત્યનિષ્ઠ હતી; જ્યારે લેાકો પોતાની ક્ષુદ્ર આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા મથી રહ્યા હતા, ત્યારે તે પોતાનો મહાન આત્મા ઉચ્ચ કાર્ચવ્યવસાયમાં રોકતી; જ્યારે પ્રજા અસભ્ય હતી, ત્યારે તે સભ્ય રહેતી; જ્યારે ઘોર ક્રૂરતા પ્રચલિત હતી, ત્યારે તે દયા રાખતી, ઉત્સાહ જ્યારે ભાગી પડ્યેા હતો, ત્યારે તે ઉત્સાહી અને ઉત્સાહદાતા હતી; જયારે અશ્રદ્ધાનો વાયુ વાતો હતો, ત્યારે તે ભાવિક હતી; ગુલામીના જમાનામાં તે સ્વમાની હતી; પ્રજાના હૃદયમાંથી આશા અને નિર્ભયતા જયારે નાશ પામ્યાં હતાં, ત્યારે તે આશાવંત અને નિર્ભય હતી.

જોન નિ:સ્વાર્થી હતી. તેના કાઈ પણ કાર્ય અથવા શબ્દમાં સ્વાર્થ અથવા તેના આત્મલાભની આકાંક્ષાનું ચિહ્ન જણાયું નથી. જ્યારે પોતાના રાજાને તેણે પરતંત્રતામાંથી છોડાવી સ્વતંત્ર કર્યો અને તેના શિર ઉપર રાજમુકુટ શોભાવ્યો, ત્યારે માન-અકરામ અને ખિતાબો ધારણ કરવાનું પ્રલોભન તેને દર્શાવવામાં આવ્યું; પણ તે એકની બે થઈ નહિ. પોતાના ગામડામાં જઈ ઘેટાં ચારવાં અને માતૃપ્રેમનો લહાવો લઈ માતાની સેવા કરવી; એજ-જો રાજા રજા આપે તો-તેની ઈચ્છા હતી.

આ ચરિત્ર અક્ષરશ: અનુવાદરૂપે નથી. એમાં જોનના આત્માના ગૌરવનું જ બહુધા આલેખન કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ, બાળક અને યુવાન વાંચી શકે એવી સરળ ભાષા પસંદ કરવામાં આવી છે. જોન ઑફ આર્કના જીવન સાથે સંબંધ નહિ ધરાવનારી મૂળ ગ્રંથની કેટલીક બાબતો છોડી દેવામાં આવી છે; તેમજ રાજ્યકારભાર અને યુદ્ધ કળાને લગતી કેટલીક ચર્ચાઓ પણ લેવામાં આવી નથી. ટૂંકમાં આ જોન ઑફ આર્કના ચારિત્રની દિવ્યતાને કરવામાં આવેલું નાનું એવું નમનજ છે.

આ ઐતિહાસિક કથાની સત્યતાના પ્રમાણ
માટે નીચેના ગ્રંથ જોવા.

‘‘કૉન્ડેમનેશન એટ રેહેબીલીટેશન ડી જીને ડી આર્ક.” કર્તા:– જે. ઈ. જે. ક્વીચેરેટ

‘‘પ્રોસીસ ડી કૉન્ડેમનેશન ડી જીને ડી આર્ક” કર્તા:–જે ફેબ્રે.

‘‘જીને ડી આર્ક" કર્તા:– એચ. એ. વૉલન

‘‘જીને ડી આર્ક" કર્તા:–એમ. સેપેટ.