આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
સાધ્વી ટેરેસા

અંતઃકરણમાં પ્રવેશ કર્યો; અને હૃદયમાંના અંધકાર કાઢી નાખી જીવનમાં જે ચંચળતા હતી તે જતી રહીને બચપણનો ઉંચા પ્રકારના ધર્મભાવ્ પાછો હદયમાં જાગ્રત થવા લાગ્યો. મારા મનમાં ઠસી ગયું કે, કાકાજી જે કહે છે તે સાચું જ છે. ખરેખર જગત મિથ્યા છે, આ જગતનું સુખદુઃખ બધું ક્ષણિક છે. મને ઘણોજ ભય થવા લાગ્યો. હાય ! આજ ઘડીએ જો મારૂં મરણ થાય તો મારે અવશ્ય નરકમાંજ જવું પડે. જોકે મારી વાસના મને સંન્યાસિની થતાં રોકે છે, તોપણ હવે એ પણ સમજી શકું છું કે, મારૂં શ્રેય એજ માર્ગમાં રહેલું છે.”

ટેરેસા કાકાની પાસેથી વિદાય માગીને બહેનને ઘેર ગયાં. ત્યાં એમના મન અને શરીર બન્નેને ફાયદો જણાયો અને એ પોતાના ભવિષ્ય વિષે અત્યંત ચિંતા કરવા લાગ્યાં. ટેરેસાએ વિચાર્યુ કે, સંસારનું સુખ મનુષ્યને કદી પણ તૃપ્ત કરી શકે નહિ. ઈશ્વરને પ્રાપ્ત કર્યાથીજ સર્વ વિકાર અને પા૫ દૂર થઇને ખરી શક્તિ મેળવી શકાય છે. માટે ઈશ્વરપ્રાપ્તિને સારૂ સન્યાસિની થવાની જરૂર છે.

ટેરેસાએ લાગલાગટ ત્રણ માસ સુધી નાના પ્રકારની ચિંતાઓ કરી. તેમના મનમાં ઘોર સંગ્રામ જાગ્યો. એ વિચારવા લાગ્યા કે “શું હું વાસના ઉપર સંપૂર્ણ વિજય મેળવી શકીશ? શું હું ભોગવિલાસની લાલસાને દૂર કરીને ત્યાગના મંત્ર હૃદયમાં ઠસાવી શકીશ ? પિતાજીની આંખમાં આંસુ જોઈને મારું હૃદય ફરી નહિ જાય ?" એવા એવા હજારો વિચાર એમના હૃદયમાં આવવા લાગ્યા. પરંતુ એમણે એ બધી ચિંતાઓના ત્યાગ કરીને સંન્યાસિની થવાનોજ દઢ સંકલ્પ કર્યો. ટેરેસાને એ વખતસુધી ખબર નહોતી કે, સંન્યાસિની થઈને ઈશ્વરના કાર્યમાં સ્વાર્થ ત્યાગ-આત્મસમર્પણ કરવા અગાઉ પ્રથમ તો હૃદયને પ્રભુપ્રેમથી ઇશ્વરાનુરાગથી પૂર્ણ કરવાની જરૂર છે. કારણ કે સંન્યાસિની થતાં જ સર્વ સાંસારિક પ્રીતિ અને વાસનાઓ તથા કામનાઓને દૂર કરીને હૃદયને ખાલી કરવું પડે છે. પણ એવા ખાલી હૃદયે પણ માણસ કેટલા દિવસ ટકી શકે ? માટે એ હૃદયને પ્રભુ પ્રેમથી પૂર્ણ કરો; નહિ તો શુષ્કતા આવી જઈ લાગ મળતાં સાંસારિક વાસનાઓ અને કામનાઓ હૃદયદ્વારમાં જરૂર પ્રવેશ કરશે. હાય ! કેટલાં બધાં ત્યાગી અને લેખધારી મનુષ્યો એ વાસનાના ધકકા લાગવાથી આદર્શ ભ્રષ્ટ થઈને અધોગતિને પામ્યાં છે ! ! !