આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
માહાત્માજીની વાતો.

મુરખે કહ્યું: “જેવી આપની મરજી.”

પછી મુરખરાજના વીવાહ થયા, થોડાં કાળ પછી રાજા મરણ પામ્યા, અને રાજાને કુંવર ન હોવાથી મુરખરાજ ગાદીપતિ થયો. આમ ત્રણે ભાઈ બાદશાહી ભોગવતા થયા.


પ્રકરણ ૯ મું.


આમ ત્રણે ભાઇઓ રાજકર્તા થઇ રહ્યા. સમશેર બહાદુર આબાદ થયો. ડુંડલાના સીપાઈ વડે બીજા સીપાઈઓ પણ મેળવી શક્યો.ઘર દીઠ એક સીપાઇ આપવાની રૈયત ઉપર ફરજ પાડી. આમ તેની પાસે સીપાઇઓની ઠીક સંખ્યા જામી. અને જો કોઇ તેની સામે થાય તો તે તુરત તેની સાથે લડી પોતાનું ધાર્યું કરતો. આથી તેના મનમાં એવા ભરોસો આવ્યો કે આવી સ્થિતિ હમેશાં નભી રહેશે.

ધનવંતરી પણ સુખે દીવસ ગાળવા લાગ્યો. મુર્ખાની પાસેથી મળેલા પૈસામાં પણ વધારો કર્યો. પોતાના રાજનું બંધારણ બાંધ્યું. લોકો ઉપર કર નાંખી ખજાનો વધાર્યો. માથાદીઠ વેરો નાંખ્યો. ગાડીઓવાળા પાસેથી તથા જોડા વગેરે વસ્તુઓ વેચનાર પાસેથી કર લીધા. બધા તેની ગરજ ભોગવતા થઇ પડ્યા. એટલે તેને પણ વિશ્વાસ બેઠો કે તેવી સ્થિતિ સદાયે કાયમ રહેશે.

મુરખરાજ તો રાજ્યનો માલીક બન્યા છતાં હતો તેવો રહ્યો. પોતાના સસરાની મરણ ક્રીયા કરીને પોતાના રાજ્યનો જભ્ભો ઉતારી એક કોરે મુકી દીધો, અને પોતાની પાણકોરાની બંડી અને ઓખાઇ જોડા ફરી ધારણ કર્યા, અને ખેતરમાં કામ કરવાનું કરી શરૂ કર્યું. પોતાનાં માબાપ અને તેની બહેન મોંઘી તેની સાથેજ રહ્યા.

લોકો કહેવા લાગ્યા કે “આપ તો હવે બાદશાહ છો. આપને આમ કરવું ઘટે નહીં.”