આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવાન અને શિવદયાળની વાત

તું પહોંચીશ. ત્યાં એક સાફ જગ્યામાં આરામ લઇ જે બનાવ બને તે જોજે, એ જોઇ જરા આગળ ચાલીશ કે તું એક મોટી વડીની પાસે આવીશ. તેમાં સોનાના છાપરાવાળુ ઘર છે તે મારૂં છે. ત્યાં દરવાજે હું તને મળીશ.” એટલું કહી સત્યવાન તે છોકરાની નજરથી અદૃશ્ય થઇ ગયા.


પ્રકરણ ૩ જું.


શિવલાલે દેખાડેલે રસ્તે ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં તે જંગલમાં આવ્યો. ત્યાં એક સાફ જગ્યામાં તેણે એક મોટું વડનું ઝાડ જોયું. તેની એક ડાળીને એક દોરડું બાંધ્યું હતું. દોરડાને છેડે એક ભારે લાકડાનો ધોકો બાંધ્યો હતો. લટકતા ધોકા નીચે મધનું વાસણ રાખેલું હતું. તેનો એવો હેતુ હતો કે રીંછ વિગેરે તે ધોકાને ખસેડયા વિના મધને અડી ન શકે, ને ધોકો ખસેડે તો પાછો મધમાં આવતાં ઇજા કરે. છોકરો વિચાર કરતાં ઉભો છે. તેવામાં જંગલમાં એક કડાકો થયો અને કેટલાંક રીંછો આવતાં તેણે દીઠાં. તેમાંથી એક રીંછણ સીધી મધના વાસણ ભણી ગઇ અને તેણે પોતાના નાક વતી ધક્કો મારી ધોકો ખસેડ્યો, એટલે તેનાં ત્રણ બચ્ચાં જે તેની વાંસે વાંસે જતાં હતાં તેઓએ મધ ઉપર તલપ મારી. તેટલામાં પેલો ધોકો પાછો આવ્યો અને તેમના માથા ઉપર પડ્યો. તેઓ ચીસ પાડી ભાગી ગયાં, રીંછણ ખીજાઇને ધોકાને ફરી જોરથી ફેંક્યો. ધોકો બહુ ઉંચે ઉછળ્યો, બચ્યાં મધ પાસે ગયાં ઉંચે ઉછળેલો ધોકો જોરથી રીંછોના માથા ઉપર પડ્યો. તેમાંનુ એક બચ્ચું તુરતજ મરી ગયું. રીંછણ વધુ ખીજાઈ ધોકાને પકડી વધુ જોરથી ઉંચે ઉછાળ્યો. ધોકો ડાળીથી પણ ઉંચો ચઢ્યો. હવે રીંછણ પાછી મધ તરફ ગઇ. ધોકો ઉંચે ચઢતો ચઢતો અટક્યો તે પાછો નીચે પડવા માંડ્યો, જેમ જેમ નીચે આવતો ગયો તેમ તેમ તેની ઝડપ