આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
સત્યવાન અને શિવદયાળની વાત

હોય તો મારાં પાપો મરવાથી પણ બળી જાવ.” હજી તો આવો વિચાર કરે છે એટલામાં પેલો ચોર અપશબ્દો બોલતો આવ્યો. શિવદયાળે મનમાં ઠરાવ કર્યો કે “પ્રભુ સિવાય મારૂં સારૂં કે નરસું કોઇ કરી શકે એમ નથી.” આવા ઠરાવથી દૃઢ થઇ તે ચોરને મળવા ગયો.

તેને માલુમ પડ્યું કે ચોર એકલો નહોતો પણ તેની વાંસે ઘોડા ઉપર એક માણસને બાંધ્યો હતો, તેને તે ગાળો દેતો હતો અને ધમકાવતો હતો. આ જોઇ શિવદયાળ તેની પાસે ગયો અને ઘોડાને ઝાલી ઉભો રહ્યો, અને તેણે પૂછ્યું આ માણસને તુ ક્યાં લઈ જાય છે ? ચોરે કહ્યું “હું એને જંગલમાં લઇ જાઉં છું. એ ધનવાનનો દીકરો છે. પોતાના બાપની પુંજી ક્યાં છે એ તે કહેતો નથી. જ્યાંસુધી મને એ વિષે ન કહે ત્યાંસુધી તેને બાંધીને મારવાનો મેં ઠરાવ કર્યો છે.”

આટલું બોલી ચોરે ઘોડાને હાંકવા માંડ્યો, પણ શિવદયાળે ઘોડાને ઝાલી રાખ્યો. તેણે કહ્યું “આ માણસને છોડી મુક “ચોરને આ સાંભળી ગુસ્સો ચઢ્યો. જેથી પોતાનો છરો કાઢી બોલ્યો, “તારા પણ આવાજ હાલ કરૂ કે ? મેં તને મારી નાંખવાનુ કહ્યું છે એ ભુલી ગયો, નહીં?” શિવદયાળને કંઇ બ્હીક ન લાગી, તે બોલ્યો, “તું આને જવા દે, તારાથી બ્હીતો નથી. હું એક પ્રભુથી જ બીહું છું. પ્રભુ મને કહે છે કે મારે તને ન જવા દેવો. આ માણસને છોડી મુક.” ચોરે દાંત પીસ્યા. છરાથી દોરડાના બંધ કાપી નાખ્યા અને પેલા વેપારીના છોકરાને છોડી મુક્યો. ચોરે કહ્યું “જાઓ ભાગો, તમારૂં મોત ભમે છે. મારી નજરે ફરીથી ચઢ્યા તો તમારૂં આવી બન્યું છે, એ ખચીત માનજો.

ધનવાનનો દીકરો દોડીને જંગલમાં સંતાઇ ગયો. ચોરે ચાલવા માંડ્યું કે વળી તેને શિવદયાળે કહ્યું. “ભલા માણસ પાપી ધંધો છોડી દે. શામાટે નર્કમાં જવાનાં કામ કરી રહ્યો છે! પ્રભુમાં તારૂં ચિત્ત જોડી દે, તે તારા પાપોની ક્ષમા બક્ષશે.” ચોર ઉભો રહીને આ બધું સાંભળી રહ્યો અને તે પછી ધીરે ધીરે વિચાર કરતો ચાલ્યો. સવારે ફરીથી ઠુંઠાંને પાણી પાવા ગયો, ત્યારે શિવદયાળે બીજા ઠુંઠામાંથી ફણગો ફુટેલો દીઠો.