આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
માહાત્માજીની વાતો.

બંડી ઉતારી નાંખી, પગમાંથી જોડા ઉતારી નાંખ્યા અને કહ્યું, “કંઇપણ વ્યર્થ વાતમાં વખત ગુમાવવો એ નકામું છે, માટે જલદી કરો, અને આ બંડી અને પગરખાં પહેરી લો.”

નથુએ તેનું નામ પુછતાં તેણે જણાવ્યું કે “મારૂ નામ દેવદુત છે.” નથુએ તેને ઉઠાડવામાં મદદ કરી અને જોડા તથા બંડી પહેરાવ્યાં. દેવદુતની મુખાકૃતિ અત્યંત તેજસ્વી હતી. અને શરીર પણ મજબુત બાંધાનું હતું. નથુને તેને જોતાં જ અંતઃકરણમાં અત્યંત સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો, નથુએ તેને પોતાનાં કપડાં બુટ પહેરાવ્યાં પછી કહ્યું “ભાઈ દેવદૂત! હવે તારે કોઇપણ જાતની ચિંતા રાખવી નહીં. તું મારી સાથે ચાલી શકશે ? નથુનું બોલવું દેવદૂત સમજી શક્યો અને એક પણ શબ્દ બોલ્યા સિવાય તેની સાથે ચાલવા લાગ્યો. બંનેએ નથુના ઘર તરફનો રસ્તો લીધો.

નથુએ તેને પુછ્યું: “ભાઈ દેવદુત, તું કેમ બોલતો નથી, આપણે હવે ઘેર જઈએ છીએ. જો તારાથી ચાલી ન શકાતું હોય તો આ મારી લાકડી લે અને એના ટેકાથી ધીમે ધીમે ચાલ.”

દેવદુત લાકડી હાથમાં લઇ ધીમે ધીમે ચાલવા લાગ્યો. રસ્તે ચાલતાં નથુએ પૂછ્યું: વહાલા ભાઈ દેવદુત, તું ક્યાં આગળથી આવે છે ?”

દેવદુતે જણાવ્યું: “હું આ ભાગોમાંથી આવ્યો નથી.”

નથુએ કહ્યું: “હા, આટલામાં તો હું બધાને ઓળખું છું. પણ પ્રથમ તું મારા જોવામાં કદી આવ્યો નહોતો. આ ગલીની અંદર હવેલી આગળ તું કેવી રીતે આવી ચઢ્યો ?

દેવદુતે કહ્યુઃ “તે હું કહી શકતો નથી.”

નથુએ પુછ્યું: “હું ધારું છું કે તને કોઇએ ઇજા કરી છે.” દેવદુતે કહ્યુ: “કોઇ પણ મનુષ્યે મને ઈજા કરી નથી. પરંતુ પરમાત્માએ મને શિક્ષા કરી છે.”

નથુએ કહ્યું: “હા, મનુષ્યની સ્થિતિ પોતાના કર્તવ્ય અનુસાર