આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
જીવન દોરી

પ્રકરણ ૬ ઠું


દિવસ ઉપર દિવસ, અઠવાડીઆં ઉપર અઠવાડીઆં એમ પસાર થવા લાગ્યા. અને દેવદુત નથુને ત્યાંજ સુતો, ખાતો, અને કામ કરતો. દેવદુતના આવ્યા પછી નથુના કાર્યની ખ્યાતી શહેર બાર પણ પ્રસરવા લાગી. લોકો વાત કરવા લાગ્યા કે નથુ મોચીના જેવા જોડા બીજું કોઇ બનાવી શકે એમ નથી. કામ ઘણુંજ મજબુત ટકાઉ અને ચોખ્ખું થાય છે, અને એને લીધે પાડોશના શહેર ને ગામડામાંથી પશુ નથુને પગરખાં વિગેરે બનાવવાની વરધી દિન પ્રતિદિન વધુ ને વધુ મળવા લાગી.

એક દિવસ નથુ અને દેવદુત પોતાના કામમાં બેઠા હતા. ત્યાં આગળ એક ગાડું આવીને ઉભું રહ્યું. તેમણે બારીમાંથી બહાર જોયું તો ગાડાંને પોતાનાજ ઘર આગળ ઉભું રહેતું જોયું, ગાડામાંથી એક માણ્સ નીચે ઉતર્યો એટલે ભારે કપડાં પહેરેલ એક શેઠીઓ બહાર નીકળ્યો. નથુ બારણું ઉઘાડી સામો ઉતાવળથી ગયો, અને તે શેઠીઓ નીચા વળી બારણામાં પેઠો. પોતે શરીરે હૃષ્ટપુષ્ટ હતો. તે બાંકડા ઉપર બેઠો, અને પુછ્યુ કે દુકાનનો ધણી કોણ છે? નથુ આવકાર સહિત બોલ્યો, “હું છુ, મહેરબાન, કાંઇ હુકમ?’ શેઠીઆએ પોતાના નોકરને બોલાવ્યો અને ગાડીમાંથી ચામડુ લઇ આવવાની આજ્ઞા કરી. નોકર તે લઇ આવ્યો અને શેઠીએ તે છોડી નથુને આપ્યું અને કહ્યું: “આ ચામડુ તેં જોયું ? તું સમજે છે કે એ કેવી જાતનું ચામડુ છે ?”

નથુએ કહ્યું: “કે સાહેબ, બહુજ સુંદર ચામડું છે.

શેઠીયાએ કહ્યુ: “તારી જીંદગીમાં પણ આવું ચામડું તેં જોયું નહીં હોય, એ બહુજ કીંમતી છે. હવે આમાંથી તું મારે માટે જોડા બનાવી આપ.”