આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
માહાત્માજીની વાતો.

શું જવાબ દઇશ ? એમ મોટી ફીકરમાં પડ્યો. કારણ કે એવું ચામડું બીજી જગ્યાએથી મળી શકશે નહીં. અત્યંત શોકાતુર થઇ તેણે દેવદુતને કહ્યું: “મારા દોસ્તદાર, આ તેં શું કર્યું? તે મારા સર્વસ્વનો કીધો છે. તે શેઠીઆએ જોડા બનાવવાનો હુકમ આપ્યો છે, અને તેં તો સપાટ બનાવ્યા. હવે હું શું કરીશ ? તે શેઠીઓ કોઈ મોટો પુરૂષ છે, અને મને કેદમાં નાંખશે, અને મારાં બાયડી છોકરાંનું શું થશે! નથુ આમ વાતચીત કરે છે. એટલામાં બારણે કોનો અવાજ સંભળાયો. બારીમાંથી નથુએ બહાર જોયુ. તો કોઇ ઘોડા ઉપરથી ઉતરી દુકાનમાં આવે છે, તેણે જઇ બારણું ઉઘાડ્યું, તો તેજ શેઠીઆનો નોકર આવ્યો. તે કહેવા લાગ્યો કે મારી શેઠાણીએ જોડા વિષે કંઈ સુચના કરવા મને મોકલ્યો છે.

નથુએ પુછ્યું કે “શું છે?”

નોકરે કહ્યું કે “શેઠ તે દિવસે આવ્યા હતા, પરંતુ એકાએક ગુજરી ગયા છે.”

નથુએ કહ્યું કે “એવું તું શું બોલે છે?”

નોકરે કહ્યું કે “શેઠ ગાડીમાં બેસી તારે ઘેરથી ગયા કે રસ્તામાંજ ગાડીમાં તે એકાએક ગુજરી ગયા છે. ગાડું ઘર આગળ પહેચ્યું, ત્યારે હું ગયો અને જોઉં છું તો શેઠ ચત્તાપાટ પડેલા અને શ્વાસ પણ બંધ થઇ ગએલો. અમોએ ગાડામાંથી નીચે ઉતાર્યા, પરંતુ તેમનામાં જીવ નહોતો. આ આશ્ચર્યકારક તેમજ ખેદકારક બનાવ છે. મારી શેઠાણીએ તરતજ મને કહ્યું કે મોચીને ત્યાં પાછો જા અને જોડા બનાવવાના હુકમ આપ્યો છે, તેને બદલે તેજ ચામડામાંથી શબ વાસ્તે સપાટ બનાવવાનું કહી આવ અને જ્યાં સુધી તે તૈયાર થાય ત્યાં સુધી થોભજે અને તારી સાથેજ લઇ આવજે. જેથી હું તમારી પાસે કહેવા આવ્યા છું.”

દેવદુતે સપાટ તૈયાર જ કરી રાખી હતી તેને સાફ કરીને બીજા ચામડાંના ટુકડા વધેલા હતા તે એકઠા કરી એક બેગી તે નોકરને હવાલે કરી દીધી. નોકર તેમને સલામ કરી ત્યાંથી ચાલી નીકળ્યો.