આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
પ્રેમા પટેલની વાત.


પ્રકરણ ૮ મું.


લોકો બધા તૈયાર થઈ ગયા. ખરેખર સૂર્યોદયને વખતે જે જગ્યાએથી ચાલવાનું શરૂ કરવાનું હતું ત્યાં સહુ જઈ પહોંચ્યા. એક ટેકરી ઉપર બધા ચડ્યા. મુખી પ્રેમા પટેલ પાસે આવ્યો, અને ચારે તરફ હાથ બતાવી કહ્યું : “આ જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધીની બધી જમીન અમારી છે. તમને ગમે તેટલી લેજો.”

પટેલ તો બહુજ ખુશી થઈ ગયા, જમીન તેને ઘણી સારી લાગી. તેને માટી કાળી અને ખાતરાળ હતી. કોઇ કોઇ ઠેકાણે છાતી સમું ઘાસ ઉભું હતું.

મુખીએ નિશાની કરી પટેલને કહ્યું: અહીં આવો, જુઓ. તમારે અહીંથી ચાલવાનું શરૂ કરવું, અને સુર્યાસ્ત સુધીમાં પાછું અહીંજ પહોંચવું. જેટલી જમીનની આસપાસ ફરી વળશો. એટલી તમારી.

પટેલે કપડાં કસ્યાં, અને કોદાળી ખભે નાખી. એકાદ રોટલો પછેડીમાં નાંખી ભેઠમાં બાંધ્યો. પાણીની નાની સિરોઇ પણ ખભે લટકાવી લીધી અને તૈયાર થઇ ઉભા. પહેલાં તો કઇ દિશાએ જવું એ મુંઝવણ થઇ. પણ ઉગમણી દિશાએ જવું એવું તુરત નક્કી કર્યુ. અને સુરજની વાટ જોવા લાગ્યા.

જેવી સુરજની કોર દેખાણી કે તરતજ પટેલ છુટ્યા. મનમાં વિચાર્યું કે: “એક ક્ષણ પણ ગુમાવવાની નથી. ટાઢા પોરમાં ખૂબ ચલાશે.”

પહેલાં તો સાધારણ ઝડપથી ચાલવું શરૂ કર્યું. એક ખેતરવા ચાલ્યા અને કોદાળીથી નીશાની કરી. એમ ચાલતા ગયા અને નિશાની કરતા ગયા. હળવે હળવે તેની ચાલ વધવા લાગી.

કેટલુંક ચાલ્યા પછી પટેલે જરા પાછું વાળી જોયુ તો ટેકરી ઉપરના લોકો ચોખ્ખા દેખાતા હતા, અને ગાડાંનાં જડોયાં પણ