આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન આણશો મનમાં આશંક,તમ આવે પામ્યા લખ ટંક;
ઉજળો સગો આવ્યો બારણે, સેનાનો મેરુ કીજે વારણે.
જો મહેતાજી નહિ આવો તમો,ખરેખરા દૂભાઇશું અમો;
આપ્યું પત્ર ગુરુના કરમાંય, પંડ્યો ખોખલો કર્યો વિદાય.
કુંવરબાઇએ તેડ્યા ઋષિરાય, એકાંતે બેસાડી લાગી પાય;
ત્યાં બે દહાડા પરુણા રહેજો, મહેતાને સમજાવી કહેજો.
કાંઇ મોસાળું સારુ લાવજો, સંપત્ત હોય તો હ્યાં આવજો;
કાંઇ નામ થાય જો પૃથ્વી તળે, સાસરિયાંનું મેણું ટળે;
જો અવસર આ સુનો જશે, ભવનુંમેણું મુજને થશે;
બોલ બાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે.
રખે નાગરી નાતે કૌતક થાય, તમારે માથે છે વૈકુંઠ રાય;
પંડ્યો ખોખલો કીધો વિદાય, સદ્ય પહોંતો જુનાગઢ માંય.

વલણ.
જુનાગઢમાં આવિયા, મહેતો લાગ્યા પાય રે;
સ્તવન સ્તુતિ પૂજા કરી, પછે માંડી પાટ સુખદાયરે.

કડવું ૪ થું - રાગ ધનાશ્રી.
ખોખલે પંડે પત્ર જ આપ્યું, મહેતાજીને હાથજી;
વધામણી કાગળમાં વાંચી, સમર્યા વૈકુંઠનાથજી.
મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી ખોટો દામજી;
ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્યતણું છે કામજી.
ભોજન કરાવી દક્ષિણા આપી, મહેતો લાગ્યા પાયજી;
મોસાળું લેઇ અમો આવિશું પંડ્યો કીધો વિદાયજી.
નરસૈ મહેતે ઘેર તેડાવ્યા, સગા તે વૈષ્ણવ સંતજી;
મોસાળું લઇ આપણે જાવું, છે કુંવર બાઇનું શ્રીમંતજી.
જુની વેલને ધુંસરી વાંકી, સાંગી સોટા ભાગીજી;
કોના તળાયાને કોની પિંજણીયો, બળદ આણ્યા બે માંગીજી.
મહેતાજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રી જગદીશજી;
ત્રણ સખિયો સંઘાતે ચાલી, વેરાગી દશ વીશજી.
સંપુટ ત્રાંબાની ડાબલીનો, તેમાં બાળમુકુંદજી;
કંઠે હાર કરીને રાખ્યા, દામોદર નંદનનંદજી.