આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વલની પૂંઠે કોથળો બાંધ્યો, માંહી ભર્યા વાજિંત્રજી;
ગાંઠડી એક ગોપીચંદનની, તુળશી કાષ્ઠ પવિત્રજી.
મોસાળની સામગ્રીમાં, તિલક ને તુળસીમાળજી;
નરસૈંયાને નિર્ભય છે જે, ભોગવશે ગોપાળજી.
બળ હીણા બળદો શું હીંડે, ઠેલે વૈષ્ણવ સાથજી;
સોર પાડે ને ઢાળ ચઢાવે, જે જે વૈકુંઠ નાથજી.
એક બળદ ગળિયો થૈ બેસે, આખલો તાણી જાયજી;
પડ્યાને પુંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કોટી થાયજી.
સાલે સાલ જૂજવાં દીસે, રથતણાં બહુ વક્રજી;
સાંગીનો બહુ શબ્દ જ ઉઠે, ચૂચવે છે બહુ ચક્રજી.
ચડે બેસે ને વળિ ઉતરે, લે રામ કૃષ્ણનું નામજી;
મધ્યાહ્ને મહેતાજી આવ્યા, જોવા મળ્યું ઉના ગામજી.
શું જાણે વૈષ્ણવનો મહિમા, વિષયી પુરનાં લોકજી;
કોડ પહોંતા કુંવર વહુના, મામેરું છે રોકજી.

વલણ

રોક મામેરું મહેતો લાવ્યા, જુઓ વૈષ્ણવની વસાતરે;
અકેકી માળા આપશે તો, પહેરશે નાગરી નાતરે.


કડવું ૫ મું. - રાગ મારુ.

સુણી શ્રીરંગ મહેતો આવ્યા ધાઇ, ભાવે ભેટ્યા બંને વેવાઇ;
મળો જમાઇ જમાઇનો ભ્રાત, મળ્યો સહુ નાગરનો સાથ.
ક્પટે ભેટી પાછા ખસે, જોઇ જોઇ સામગ્રીને હસે;
ઉતરવા ઘર આપ્યું એક, ઝાઝાં ચાંચડ મચ્છર વિશેક.
ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નળિયાનું નહિ નામ;
કોહ્યું છાજ ને જૂની વળી, ભીંત્યો દોદશ બેવડ વળી.
ઝાઝા માંકણ, ઝાઝા જૂઆ, ત્યાં મહેતાના ઉતારા હૂઆ;
વેવાઇ ગયા ઉતારો કરી, બોલે હસણી નાત નાગરી.
કુંવર વહુનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઇએ પાપ;
મહેતાને જોવા હરખે ભરી, ઘેર ઘેરથી ચાલી સુંદરી.
મન વિના મહેતાને નમે, સારું થયું જે આવ્યા તમે;
માંહો માંહિ કહે સુંદરી, મહેતો દીઠે દીઠા હરિ.