આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જનનેન્દ્રિયવિકારનો નિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ અધૂરી ને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ભમવા દઈ એક જ ઇન્દ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે? કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુ જુએ, જીભથી વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, હાથથી વિકારોત્તેજક વસ્તુને સ્પર્શ કરે, ને છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે એ તો અગ્નિમાં હાથ નાખ્યા પછી ન દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જે જનનેન્દ્રિયને રોકવાનો નિશ્ચય કરે તેણે ઇન્દ્રિયમાત્રને તેના વિકારોથી રોકવાનો નિશ્ચય કરેલો હોવો જ જોઈએ. બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકશાન થયું છે એમ મને હમેશાં લાગ્યું છે. મારો તો દૃઢ અભિપ્રાય છે ને અનુભવ છે કે જો આપણે બધી ઇન્દ્રિયોને એકસાથે વશ કરવાનો અભ્યાસ પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઈ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્યું છે. તે હવે પછી વિચારશું .

બ્રહ્મચર્યનો મૂળ અર્થ સહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની શોધમાં ચર્યા એટલે તેને લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઈએ.