આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સહેજે મળી રહે ને બન્ને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્રવિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટીના સત્યાગ્રહી, જીજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઈશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાન્ત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણને શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય; એ પાંજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે? બીજાને કેમ હણે? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ