આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતાનિવારણનો પણ એ જ અર્થ છે. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતા નિવારણ. આમાં અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડેઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિંદુધર્મના સડારૂપે વિચાર્યો છે, કેમકે તેણે હિંદુધર્મમાં ધર્મનું સ્થાન ઝડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડની સ્થિતિ ગુલામના જેવી કરી મૂકી છે.


૯. જાતમહેનત

૧૬-૯-’૩૦
મંગળપ્રભાત
 

જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલસ્ટૉયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો -- રસ્કિનનું 'અન્ટુ ધિસ લાસ્ટ' (સર્વોદય)વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ 'બ્રેડ લેબર'નો અનુવાદ છે. 'બ્રેડ લેબર'નો શબ્દશ: તરજૂમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ. શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે, એ મૂળ શોધ ટૉલસ્ટૉયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નૉહની છે. તેને ટૉલસ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા