આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૨. નમ્રતા

૯-૧૦-’૩૦
મંગળપ્રભાત
 

આને વ્રતોમાં નોખું સ્થાન નથી અને ન હોઈ શકે. અહિંસાનો એ એક અર્થ છે, અથવા કહો કે એના પેટમાં છે. પણ નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઈએ. જ્યારે નિયમાવલિ પહેલી ઘડાઈ ત્યારે મિત્રવર્ગમાં તેનો મુસદ્દો મોકલ્યો હતો. સર ગુરુદાસ બૅનરજીએ નમ્રતાને વ્રતોમાં સ્થાન આપવાની સૂચના કરી હતી, ને ત્યારે પણ એ દાખલ ન કરવાનું એ જ કારણ બતાવ્યું હતું જે અહીં લખું છું. પણ જોકે તેને વ્રતમાં સ્થાન નથી છતાં તે વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે; આવશ્યક તો છે જ. પણ નમ્રતા કોઈને અભ્યાસથી આવી જાણી નથી. સત્ય કેળવાય, દયા કેળવાય, નમ્રતા કેળવવી એટલે દંભ કેળવવો એમ કહેવાય. અહીં નમ્રતા એ વસ્તુ નથી કે જે મોટા માણસોમાં એકબીજાના માનાર્થે શીખવવા કેળવવામાં આવે છે. કોઈ બીજાને સાષ્ટાંગ નમસ્કાર કરતો હોય છતાં મનમાં તો તેને વિષે તિરસ્કાર ભર્યો હોય. આ નમ્રતા નથી, લુચ્ચાઈ છે. કોઈ રામનામ જપ્યાં કરે, માળા ફેરવે, મુનિ જેવો થઈ સમાજમાં બેસે, પણ માંહે સ્વાર્થ ભર્યો હોય તો તે નમ્ર નથી પણ પાખંડી છે. નમ્ર મનુષ્ય પોતે જાણતો નથી કે ક્યારે તે નમ્ર છે. સત્યાદિનું માપ આપણે પોતાની પાસે રાખી શકીએ, પણ નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક