આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહોંચે તો માનેલો ધર્મ સ્વધર્મ નથી પણ તે સ્વાભિમાન છે તેથી તે ત્યાજ્ય છે.

સ્વદેશીનું પાલન કરતાં કુટુંબનો ભોગ પણ આપવો પડે. પણ તેવું કરવું પડે તો તેમાંયે કુટુંબની સેવા હોવી જોઈએ. જેમ પોતાને જતા કરીને પોતાને રક્ષી શકીએ છીએ તેમ કુટુંબને જતું કરી કુટુંબને રક્ષતા હોઈએ એમ બને. મારા ગામમાં મરકી થઈ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીને, પુત્રોને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઈ મોતને શરણ થાય તો મેં કુટુંબોનો સંહાર નથી કર્યો, મેં તેની સેવા કરી છે. સ્વદેશીમાં સ્વાર્થ નથી અથવા છે તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ ; શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.

આ વિચારશ્રેણીનો આશ્રય લેતાં મેં ખાદીમાં સામાજિક શુદ્ધ સ્વદેશી ધર્મ જોયો. બધા સમજી શકે એવો, બધાને જે પાળવાની આ યુગમાં, આ દેશમાં બહુ આવશ્યકતા છે એવો કયો સ્વદેશી ધર્મ હોઈ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો કયો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાઓને નુક્સાન થાય છે એમ કોઈ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા ચોરી કરતાં અટકાવાય તો તેમાં તેને નુક્સાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુક્સાન નથી, લાભ છે. અયોગ્ય રીતે જેઓ અર્થ સાધતા હોય