આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમના એ અનર્થનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે.

પણ જેઓ રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પહેરીપહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ મહામોહમાં ડૂબેલા છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે, એ સ્વદેશી ધર્મની પરિસીમા નથી. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. તેઓ તો ચાલતા પ્રવાહમાં તણાઈ રહ્યા છે. સ્વદેશીવ્રતનું પાલન કરનાર નિત્ય પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાંજ્યાં પડોશીની સેવા કરી શકાય એટલે જ્યાંજ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક માલ હશે ત્યાંત્યાં બીજો તજીને તે લેશે. પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધારવા કે સુધરાવવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઈને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહિ મંડી જાય.

પણ સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહિ જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહિ. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.