આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૮૫
 

સરફોજદારના મોં પર વિજયની ઝલક આવી ગઈ; એમણે સાગરીતોને કહ્યું: "જોયું ને? કોરેકોરું! જોયું ને! વાહ બેટમજી! પારખું કરી લીધું. બસ, હવે બીજા બધા ચાલ્યા જાવ; ને તું આમ આવ, ઝાલા!"

ઝાલો ધૃજતો, સંકોડાતો નજીક આવ્યો. એટલાં ચાર-પાંચ પગલાંમાં તો ઝાલાએ પીર સાથે જાણે જુગજૂની વાતો કરી લીધીઃ અરે પીર! તમે શું પોલીસના બાતમીદાર છો! તમે શું આવડી મોટી બનાવટ કરી શકો છો? તમે પણ આ વાઘદીપડાની જૂઠલીલામાં શામેલ છો? સોડ ઓઢીને સૂતા સૂતા તમે શું આવાં કામાં કરાવો છો!

સરફોજદારના મજબૂત પંજાના એક તમાચાએ ઝાલા પાટણવાડિયાને પીર સાથેની ગોષ્ઠિમાંથી સભાન બનાવ્યો; ને ઝાલાએ વક્ર હાસ્ય કરતા ફોજદારનો કુટિલ પ્રશ્ન સાંભળ્યોઃ "લાવ, ક્યાં છે ચોરીનું કાપડ?"

"કાપડ!" ઝાલો કશું સમજતો નહોતો.

"હા, હા; તારા બાપનું-કિનખલોડવાળા પાટીદારનું કાપડ. ચાલાકી જવા દે, ને કાપડ ઝટ કાઢી આપ. હવે પીરના પંજામાંથી જઈશ ક્યાં?"

"કાપડ વિશે, સાહેબ, હું કશુંય જાણતો નથી."

"ઠીક ત્યારે, ઝાલાભાઈને સમજાવો હવે!" એમ ફોજદારે પોતાના સાથીદારોને કહેતાં તો ઝાલાના શરીર પર સામટાં દંડા, ગડદા, પાટુ, તમાચા ને ઠોંસા વરસી પડ્યાં.

પોતાના તરફથી એક નવો ઠોંસો લગાવવા ફોજદારે હાથ ઉપાડ્યો, એ જ પળે કોઈકે એ હાથનું કાંડું ઝાલ્યું. ફોજદારે ચમકીને પાછળ જોયું. હાથ પકડીને ઉભેલ ઊંચી કાઠીના એક આદમીએ, શરીરના કદથી ઊલટા જ કદના કોમળ ધીરા સ્વરે આટલું જ કહ્યું: "શીદ મારો છો? ના મારશો."

"રવિશંકર મહારાજ!" ફોજદારે પોતાનું કાંડું પકડનારને જોઈ ચીડાઈ જઈને કહ્યું: "ના શું મારે! કંઈ સમજો તો ખરા! કિનખલોડની