આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
માણસાઈના દીવા
 

"અહીં ચોરી થઈ છે ખરી?"

"હા, એક ઘાંચીના ઘેરથી કાપડની પોટલી ગઈ છે. પણ બધું ચૂપચાપ રહ્યું છે; કારણ કે ચોરમાં મોર પડ્યા છે!"

"એટલે?"

"એટલે કે ઘાંચીએ પોટલી રેલમાંથી ચોરાઈને આવેલી તે રાખેલી."

ઈછલો સત્ય બોલ્યો હતો, એ સાબિત થયું. પોટલી લઈને મહારાજ પાછા વળ્યા. ઈછલાને તેડાવ્યો.પૂછ્યું: "કહેઃ તેં શી રીતે અલારસામાંથી ચોરી કરી?"

પોપટની જેમ ઈછલો અથ-ઈતિ પઢી ગયોઃ "જાણે કે અમે તો ગયેલા વાસણા. એક પાટીદારને ફળિયે લપાઈને બેઠા. ઘરની બાઈ રાતે પેશાબ કરવા ઊઠી, એની ડોકેથી સોનાનો દોરો કાઢી લઈને નાઠા, પણ હોહા થઇ પડી. અમારી પાછળ પોલીસ પડી. એક પોલીસને પછાડીને અમે નાઠા. પાછળ ચાર પોલીસ અમારા પગ દબાવતા દોડ્યા આવે. અમે દોરો નાખી દઈને નાઠા. પોલીસ પાછી વળી ગઈ. પણ અમે વિચાર કર્યો કે નીકળ્યા જ છઈએ, તો પછી ખાલી હાથે ઘેર કેમ જવાય? અપશુકન થાય! અલારસામાં પેઠા. એક ઘાંચીનું ઘર આવ્યું. અંદર પેઠા. ત્યાં આ પોટલી એની ઘાણી પર તૈયાર જ પડેલી! લઈને નીકળી ગયા."

પેટછૂટી રજેરજ વાત કહી દેનાર ઈછલો વહાલો લાગ્યો. એ પોટલી મહારાજે ઈછલાને જ આપી દીધી. અને વળતે દિવસે પાટણવાડિયા આગેવાનોની વચ્ચે જઈ પોતે બેઠા ત્યારે સૌનો આગ્રહ એવો થયો કે, 'આ ચોરીની વાત ગમે તે હોય; છતાં એ ફૂલા વાવેચાને દબાવવાની તો જરૂર જ છે. એનો ઉપાડો જબરો છે. એના ધંધા બંધ નહિ થાય ત્યાં સુધી પરગણામાં શાન્તિ નથી.'

[૪]

બોલાવ્યો ફૂલાને. પચાસ વરસની ઉંમરનો ફૂલો આગેવાનો સામે આવ્યો, અને મહારાજને પગે હાથ મૂકવા નજીક આવે તે પૂર્વે