આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૬
જી’બા


જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય ?

જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી : ગોરી, કદાવર અને નમણી : મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું : તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાટણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી ! કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.

ત્રણ વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી. સોળ-સત્તરની થઈ છે, તોપણ જીવી વટાદરામાં ને વટાદરામાં, બાપને જ ઘેર રહે છે. સામે જ સાસર-ગામ બનેજડાનાં ખોરડાં વરતાય છે, અને બેઉ ગામના સીમાડા તો અડકીને ઊભેલ છે. એ બાજુથી જીવી સીમમાં કામે આવે છે, તોપણ જીવી સાસરે જતી નથી.

"હેં જીવી !"

૧૨૧