આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
માણસાઈના દીવા
 


[૨]

થોડા મહિના - અને એ જ ગોરેલ ગામમાં એ જ 'ભગતે' એક આદમીને એને ઘેર જઈ, શરીરમાં તલવાર ઘોંચી દઈ, ઢસડતે ઢસડતે ભાગોળે લઈ જઈ ઠાર માર્યો. લોકોને ખબર પડી કે સગા કાકાને જ ભત્રીજે ઠાર માર્યો.

એક ચોરી, તુરંગનું તૂટવું અને બે ખૂન – એ ચાર ગુનાઓએ ચરોતરના મુલકને ચકડોળે ચડાવ્યો. જિલ્લાની અને વડોદરાની - બંને પોલીસની દોડધામ મચી ગઈ. તેવામાં થોડા મહિના પછી એક દિવસે, ગામ જોગણમાં એક પાટણવાડિયો પોતાના ઘરને આંગણે બેઠો છે, ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે, સામે ઊભી ઊભી એક બાઈ – એ બાળકની મા અને એ આદમીની ઓરત – કંઈક કામ કરે છે, તે વખતે 'વોય બાપ !' એવી બૂમ પાડતો એ બાળ રમાડ્તો આદમી હેબતાઈ ઊઠ્યો. અને ઓરત ખડકી તરફ જુએ તો એક જુવાન ઊભો છે : હાથમાં ભરેલી બંદૂક છે.

“છૈયાને લઈ લે, ફુઈ !” બંદૂકધારી જુવાને શાંત શબ્દોમાં બાઈને સૂચના આપી.

પણ ફુઈ ન સમજી. “અરે, ભગત !” એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઈ રહી.

“છૈયાને લઈ લે મારા ફુવાના ખોરામાંથી !” બંદૂકિયાએ ફરી આંખો ફાડીને કહ્યું. ફુઈ હેબતાઈ ગઈ, ધણીના ખોળામાંથી બાળકને ન ઊઠાવી લઈ શકી.

ધુ...ઉ...મ ! બંદૂક છૂટી. ખોળામાં બાળક છતે એ પુરુષને વાગી. પુરુષ ઢળી પડ્યો. બાળક જીવતું રહ્યું. બંદૂકિયો નાસી ગયો. સગા ફુવાને ઠાર કરનાર એ 'ભગત' બાબર દેવા હતો.

ત્રીજું ખૂન – અને બાબર દેવા બહારવટિયો જાહેર થયો. ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણવાડિયો જુવાન 'બહારવટિયો બાબર દેવો' એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો. બાબર દેવાની