આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૩૩
 

ટોળી બંધાઈ ગઈ. લૂંટફાટ ને ખૂનોથી આખો મુલક સૂપડે સોવાઈ રહ્યો, ચરોતરની ધરતીમાં ધૂંધૂંકાર ચડ્યા. પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ બાબરિયો પોતાના સગા કાકાને અને ફુવાને ઠાર મારી ગયો, એ વાતથી માણસોના ગાઢ વછૂટી ગયા. બાબરનાં માબાપને અને ત્રણ જુવાન ભાઈઓને પોલીસે પકડી વિજાપુર 'ક્રિમિનલ સેટલમેન્ટ'માં મૂકી દીધા. એમની જમીન ખાલસા કરી. એમનાં તમામ મકાનો તોડી નાંખ્યાં - તેમાંથી સાચાં મોતી નીકળ્યાં કહેવાય છે. બાકી રહ્યા બાબરના બે બાળક ભાઈઓ. એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી. એને કોઈકે છુપાવ્યા હતા.

પકડો બાબરિયાનાં સર્વ સગાંને ! એને બહેન છે. ક્યાં છે ? ઝારોળા ગામે પરણાવેલી છે. પકડો એને ! પણ એ ઝારોળે હતી નહીં, ક્યાં ગઈ ! રહેતે રહેતે જાણ થઈ : બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે, એ એની ઝારોળાવાળી બહેન જ છે.

[૩]

બાબરના બહારવટાને વરસેક વીત્યું હશે. બહેનને વિશે છણભણ છણભણ વાતો ચાલતી હશે. એ વાતો એક દિવસ ભાઈને કાને આવી પહોંચી.

“અલ્યા ભગત !” બાબરના સાથી પાટણવાડિયા જગા ઊમઠે એક વાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખી કહ્યું : "તું આવો મોટો ફરછ, પણ ...”

“પણ શું ?” બાબર જગાને થોથરાતો જોઈ બોલી ઊઠ્યો.

“કશું નહીં.”

“ના, કહે જે પેટમાં હોય તે.”

“લેને ત્યારે કહી દઉં : પેટમાં રાખ્યે શો સાર ! તું આવો મોટો ફરછ, પણ તારી બે'ન તો તરકડાને જવા બેઠી છે.”

વાતની ચોખવટ થઈ : બહેન એક મુસલમાન સિપાઈ સાથે હળી ગઈ છે ! હવસ આંધળો છે : કોઈક દા'ડો સગા ભાઈનેય સોંપી દેતાં