આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
માણસાઈના દીવા
 

ઉઘાડે છોગે આહ્‍વાન આપે છે કે, આવી અલિયાશાહી વર્તાવનારને ફાંસીને માંચડે લટકાવો ! અલિયાને આપેલું અભયદાન ઉઘાડું પડી ગયું. અલિયાને ફેંસલો કરવા વગર છૂટકો ન રહ્યો.

“અલિયા !” એક દિવસ અલિયાને ચાર નવા સાથીદારો પૈકીના એકે ચેતાવી દીધો : "હવે તને પકડી લેશે.”

“એમ ! તો પછી હીંડો, આજ એક છેલ્લુકી વારની લૂંટ કરી લઈએ. પછી વળી જોવાશે કે પકડાઈને શું કરવું !”

પછી છેલ્લી મોજ માણવા અલિયો ચારે મદદનીશો સાથે એક ભાગોળે વડલા તળે ગયો. પાંચેયે ભૂંસું ખાધું, દારૂ ઢીંચ્યો. સાથીદારો નશામાં લટી ગયા. એ ઊંઘતા ચારેયની બંદૂકો લઈને અલિયો નાસી ગયો. ઉત્તરસંડાની સીમમાંથી એક ખેતર ઘેરીને પોલીસે એને હાથ કર્યો. એને ફાંસી દેવાઈ. એની લાશ બોરસદ લાવવા દીધી. ત્યાં એને દફનાવી મુસલમાનોએ તે પર કબર કરી. આજ એ 'અલિયો પીર' બન્યો છે ! કબર પૂજાય છે !

*