આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તીવ્ર પ્રેમ
૧૮૫
 

કરી કરીને કહે છે _ "કામળિયા તેલ છે : માથામાં ઘાલો, મહારાજ !"

૨. ‘જંજીરો પીઓ !’

એક આ 'કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ 'જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે :

ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો '૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ 'નરવાનું ગામ' હતું, એટલે એની જમીન તો વેચાય નહીં. ઠાકરડાનાં જે બધાં ખોરડાં સાફ થઈ ગયાં તે હવે પાટીદાર માલિકો તો ફરીથી મફત કરવા આપે નહીં. 'નવાં કરવાં હશે તો તમારે ઘર દીઠ માસિક રૂ. અઢી ભાડું આપવું પડશે' એમ કહીને પાટીદારો ઊભા રહ્યા. ઠાકરડાને સ્વજનો ગણનાર મહારાજે કહ્યું કે, "ના, આપણે ભાડું આપવું નથી આપણે તો બે વીઘાં જમીન વેચાતી લઈને તે પર ફરી બધાં ઘર બાંધીએ."

"બે વીંઘાના રૂપિયા નવ હજાર." પાટીદારો એમ કહીને ઊભા રહ્યા !

"ખેર !" કહી મહારાજ વડોદરે જઈ ગામ બહારની બે વીઘાં ઉત્તમ જમીન સરકાર પાસેથી મફત મેળવી લાવ્યા. તેના પર ઠાકરડાઓનાં ખોરડાં ચણવાનાં હતાં, ત્યાં તો મહારાજને જેલમાં જવું પડ્યું. પાછળથી ઠાકરડાઓને દબાવી સરકારમાં એવી અરજી કરવામાં આવી કે, અમારે એ જમીન નથી જોઈતી. મહારાજ છૂટીને આવ્યા. જમીન લેવરાવી. ખોરડાં કરાવ્યાં. પછી ઠાકરડાઓએ એકઠા થઈ મહારાજને માન આપ્યું. પછી ઠાકરડાના મુખી પોતાની પાસે પછેડીમાં લપેટી રાખેલી એક બાટલી ધીરે ધીરે, કોઈ જીવની જેમ જાળવેલી ચીજ હોય તેવી અદાથી, બહાર કાઢી અને મહારાજને કહ્યું : "લો, મહારાજ, આ પીવો."

"આ શું છે ?" આવી વસ્તુઓથી અજાણ પરોણાએ એ બાટલીને જોઈ-તપાસીને ગમ ન પડવાથી આશ્ચર્યભેર પૂછ્યું.