આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તીવ્ર પ્રેમ
૧૮૯
 

'છોકરીઓ ! ભરખો આને.' એમ કહેતાં તો ચારણી કન્યાઓ મને ચોંટી પડી. મારાં કપડાં ફાડી નાખ્યાં; મારે હાથે બચકું ભર્યું. મને તો લોહી ચાલ્યું જાય. મારી શી દશા થાત એ કોણ જાણે પણ હું જ્યારે સરઘસ પાછળ ચાલેલો તે જ વખતે મારા પાટણવાડિયાઓ મને જોઈ, કંઈ વિપરીત બનવાની શંકાથી, પાછળ દોડેલા. સુભાગ્યે તેઓ પહોંચે અને મને લોહીલોહાણ દેખી તોફાન મચાવી મૂકે તે પૂર્વે બહાર બેઠેલા ચારણો દોડતા આવ્યા. તેમણે મને ઊંચકીને બહાર મૂકી દીધો. હું ફરી વાર જવા કરતો હતો તે વખતે ચારણોએ કહ્યું : 'હવે જઈને શું કરશો ? પાડો તો વધેરાઈ ગયો.'

“મને ખબર પડી કે એ સૂરજબા ચારણી ત્યાં કાપેલા પાડાનું અધમણ લોહી પી ગઈ હશે !

“ચારણોનો ગામે બહિષ્કાર કર્યો. હું બોરસદ ચાલ્યો ગયો. પછી મેં એક દિવસ આ વાત ગાંધીજીને કહી. એમણે મને કહ્યું : 'તેં ખોટું કર્યું. તેં હિંસા કરી. એ લોકોને તેં કદી જઈને સમજાવ્યાં નહોતાં, એમની માન્યતા બદલાવવાનો તેં કદી પ્રયત્ન કર્યો નહોતો ને સીધા જઈને એમના પર આ હિંસાનો પ્રયોગ કર્યો ! તારે જઈ તેમની સામેનો બહિષ્કાર તો ઉપડાવવો જોઈએ.'

“એક વર્ષે હું વાલવોડ ગયો. મેં બહિષ્કાર ઉપાડી લેવા ગામવાળાં સૌને સમજાવ્યાં ત્યારે ગામમાં બે-ચાર વાણિયા હતા તેઓ કહે : 'નહીં, અમે ચારણનો દંડ લઈશું !'

“મેં કહ્યું : 'મોઢાં તમારાં ! આ ચારણો તો મરણિયા લોકો છે : 'એમની પાસેથી તમે શું દંડ લેવાના હતા ? તમે શું કરી શક્યા છો ? આબરુભેર બહિષ્કાર ઉપાડી લો.' “

આમ આ પ્રવાસ દરમ્યાન તેમ જ પ્રવાસ પૂર્વેની વાતોમાં મહારાજે જે કંઈ ઘટના વર્ણવી તેમાં એમનો દૃષ્ટિદોર એક જ હતો કે લોકોની પ્રકૃતિ અને તેમનું લોકમાનસ તાંતણે તાંતણે ઉકેલીને મને બતાવવું. આ ખરું ને આ ખોટું, આ સારું ને આ નરસું - એવા ભેદ પાડ્યા વિના