આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ
[૨૩]
 


આવા આદર્શો ઘડવાનું કામ કુટુંબોના કર્તાહર્તા પુરુષોનું, વહુઓ ઉપર રાજ કરનાર સાસુઓનું, અને કુટુંબોને દોરનાર ગોર કે ચારણનું હોય છે.

જ્યારે સમાજો અને રાજ્ય સ્થપાય ત્યારે રાજાઓ અને ન્યાયાધીશો, પંચાયતના પ્રમુખો અને સમાજને દોરનાર કવિઓ તથા પયગંબરો સમાજ માટે આદર્શો ધીરે ધીરે કાઢે છે.

ધર્મપ્રધાન સમાજોમાં ઋષિમુનિઓ, સ્મૃતિકારો અને આચાર્યો સર્વહિતકારી દીર્ઘદૃષ્ટિથી અત્યંત વ્યાપક અને ઉજ્જવળ આદર્શો સમાજ આગળ મૂકે છે અને માનવસંસ્કૃતિને ઊંચે લઈ જાય છે જ્યારે બીજી બાજુએ રાજાઓ અને રાજ્યકર્તાઓ પોતાના સ્વાર્થ અને સમાજની લાગણીઓ, બંનેનો વિચાર કરી, સમાજમાં નભી શકે – અથવા સમાજ પાસેથી નભાવી શકાય – એવા વ્યવહારુ આદર્શો રૂઢ કરે છે.

પ્રસ્તુત દસ્તાવેજમાં આપણને પાટણવાડિયા કોમનો સ્વાભાવિક જીવનઆદર્શ, એમની વચ્ચે રહીને પોતાનું ગુજરાન શોધનારા ગોર લોકોએ ચલાવેલો મધ્યકાલીન હિંદુ આદર્શ, દેશી અને પરદેશી રાજકર્તાઓએ વિચારપૂર્વક ખીલવેલો પણ અણઘડ રીતે અમલમાં આણેલો કાયદાનો આદર્શ અને છેવટે મહાત્મા ગાંધીજીએ દેશ આગળ અને મનુષ્યજાતિ આગળ રજૂ કરેલો માણસાઈભર્યો અને બહાદુરીભર્યો સત્ય-અહિંસાનો કલ્યાણમય આદર્શ - એ બધા આદર્શોના સ્વભાવ-સુંદર આઘાત-પ્રત્યાઘાત જોવાને મળે છે. અને એ દૃષ્ટિએ જ્યારે આપણે આ આખું બયાન વાંચીએ ત્યારે જ નિસ્પૃહ અને પ્રેમાળ, નિરહંકારી અને સેવાપરાયણ સંસ્કૃતિવીર રવિશંકર મહારાજની મૂર્તિની ઊંચાઈની ભવ્યતા આપણે માપી શકીએ.

‘અલ્યા, તારે કાયદાને રસ્તે જવું હોય તો તે માર્ગ તારે માટે ખુલ્લો છે અને મારે માર્ગે જવું હોય તો તારે માટે મહેનત કરવા તૈયાર છું. મારે માર્ગે જતાં સજા તો થશે જ, પણ એ ઓછામાં ઓછી થાય એને માટે હું પ્રયત્ન કરીશ,’ એમ રવિશંકર મહારાજે એક જણને સમજાવ્યું. પેલાએ વકીલોની સલાહ માની. એ માર્ગે જતાં ગુનેગારને મહારાજ ધારતા હતા એના કરતાંય ઓછી સજા થઈ અને ભલે ગમે તે પ્રકારે પણ ગુનેગાર બચી ગયો