આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માણસાઈના દીવા
 

મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'

પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઈ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં—એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય વધુ ને વધુ ઊંડી થતી ગઈ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો.

એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઈ જીવતા માણસના હાથ એને પાછો ધકેલતા જણાયા; અને એણે પૂછ્યું : "કોણ છો, 'લ્યા!"

"પાછા વરો !" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો, કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.

"કોણ — પૂંજો ?" મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઈ ગયેલ સ્વરને પકડી લીધો.

"હા; ચાલો આજે પાછા." મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું :

"પણ શું છે, 'લ્યા ?"