આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક હવાઈએ જલાવેલી જિંદગી
૧૫
 

એ વિચારથી આ નવા કેદીના હ્રદયમાં ઊંડી ગમગીની છવાઈ ગઈ.'૪૨ના ઑગસ્ટની ૯મીએ હિંદમાં બળવો જાગ્યો હતો, નવા કેદી તરીકે રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં ઝડપાયા હતા. પણ '૨૨ અને '૪૨ વચ્ચેના ગાળામાં તો કંઈ કંઈ વાર સાબરમતી જેલમાં એમને વાસો મળ્યો હતો છતાં આ મોતીનો તેમને એકેય વાર ભેટો થયો ન હતો. '૨૨ની સાલની એક કાળી રાતે ખેતરની ઝાંપલી પાસેથી ખડો થયેલો બંદૂકધારી નવજુવાન એકાએક આજે બુઢ્ઢી વયે મળ્યો. જાણે કે એ કાળી રાતનો જુવાન મોતી તો મરી જ ગયો હતો; આ તો કોઈક બીજો હતો. મહારાજના દિલમાં પળવાર શારડી ફરી ગઈ કારણ કે પોતે મોતીને મળ્યા નહોતા, છતાં મોતીની જીવનકથા જાણતા હતા. એ કથા આવી છેઃ

દેવકી-વણસોલ કરીને મહેમદાવાદ તાલુકાનું એક ગામડું છે. મોતી એ ગામનો બારૈયો હતો. ખેડ-મજૂરી કરી ખાતો. પરણેલો હતો. એક નાનો દીકરો પણ વહુને ખોળે રમતો હતો. એક નાના ઘરમાં આ નાનો પરિવાર શાંતિથી રહેતો હતો.

દેવકી-વણસોલના સરકારી મુખી એક ગરાસીયા હતા. એક તો ગરાસિયા, અને પાછા મુખી, એટલે એમને ઘેર દીકરાનાં લગ્ન આવતાં, બીજા કરતાં હોય છે તે કરતાં કંઈક વિશેષ ધામધૂમ થઈ. રાતે વરઘોડો ચડ્યો તેમાં હવાઈઓ ફોડવામાં આવી. મોતીની બૈરી પોતાના નાના છૈયાને લઈને ફળિયામાં ઊભી ઊભી આકાશમાં અગ્નિનાં ફૂલ પાથરી મૂકતી હવાઈઓ જોતી હતી. તેમાં એક હવાઈ એના જ ઘરના છાપરા પર પડી. કાચું છજેલું ઘર જરીકે વાટ જોયા વગર સળગ્યું, અને ઠારવાનો સમય મળે તે પહેલાં તો ભભૂકીને ખંડિયેર બન્યું.

પ્રભાતના પહોરમાં મુખીને ખબર પડી કે મોતી બારૈયો તો મહેમદાવાદ ફરિયાદ કરવા ચાલ્યો છે. મુખીએ ગામ લોકોને મોકલી મોતીને પાછો વાળ્યોઃ અને આવતી દિવાળીએ મુખી મોતીનું ઘર ચણાવી નવો કાટમાળ ચડાવી આપે એમ ઠર્યું.