આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
માણસાઈના દીવા
 

"ઠીક ત્યારે જાઓ. એને રજૂ કરો. થોડાક રૂપિયા દંડ કરાવીને પતાવી દેશું."

લોખંડી પગ ફરી પાછા વહેતા થયા. એ પગના સ્વાભાવિક રોજિંદા વેગમાં આજે નવી સ્ફૂર્તિ સિંચાઈ ગઈ. એ સ્ફૂર્તિ પૂરનાર અંતરનો ઊંડો ઊંડો ઉલ્લાસ હતો કે, એક જુવાનને બહારવટિયો બની જતો મટાડીને માણસાઈને માર્ગે ચડાવી શકાશે.

ખડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા. એ હતું ખોડીઆ કાવીઠાવાળાના બનેવીનું ગામ. પોતે ગામ બહાર બેસીને એને ખબર કહેવરાવ્યા. રાત પડી ગઈ હતી. રાતની પળો કલાકો ને પહોર આવી આવીને ચાલ્યાં ગયાં; પણ ખડોલવાળો ખોડીઆનો બનેવી ન આવ્યો. ગામમાં હતો; છતાં ન ડોકાયો. પ્રભાતે મહારાજ ભારે હૈયે બોરસદ જવા ચાલી નીકળ્યા.

"એ ઊભા રહો ! ઊભા રહો !" એવા સાદ એમને છેક બોરસદની ભાગોળે પહોંચવા ટાણે પાછળ સંભળાયા.

પાછળ એક મોટર ગાજતી આવતી હતી.

મોટરે મહારાજને આંબી લીધા. અંદરથી ખોડીઆનો બનેવી ઊતરીને દોડતો આવ્યો; કહે : "હીંડો, આ મોટરમાં; ખોડીઓ તૈયાર છે."

"ક્યાં છે ?"

"ત્રણ જ ગાઉ માથે."

"ના, હવે તો રાંધી-કરીને જ જવાશે."

મહારાજે રાંધ્યું. પેલાને ખવરાવ્યું, પોતે ખાધું. પછી ચાલ્યા.

[૨]

પામોલ ગામની સીમમાં એક ખેતર વચ્ચે એક ઝાડવું હતું. ઝાડવે ચડીને કોઈક સીમાડા નીહાળતું હતું. મહારાજ પારખી શક્યા : એ એક બાઈ હતી. સડેડાટ બાઈ નીચે ઊતરી ગઈ. મોટર ખેતરે પહોંચી. ખેતર વચ્ચેની ઝૂંપડીએ મહારાજ પહોંચ્યા, અને ખાટલા ઉપર એક જુવાનને સૂતેલો જોયો. માથે રાતું ફાળિયું ઓઢી ગયેલો. પાસે પેલી જુવાન ઓરત