આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
માણસાઈના દીવા
 

જેવો ચોર પોતે જ આવીને માલ આપી જતો, શરમિંદો બની મોં સંતાડતો; મહારાજ એનું મોં આખરે ખોલાવતા, અને એને એની બૂરી લતમાંથી છોડાવતા. લત જ તો ! લત નહિ તો બીજું શું હતું આ ચોરી પાછળનું પ્રેરક તત્ત્વ ! બૈરીઓ આવીને ધણીઓ વિશે કહેતી કે , "મહારાજ !, આ તમારા સેવકને કંઈક કહો ને ! રાતે નિરાંતે સૂતા નથી ને જ્યાં–ત્યાં ચોરી કરવા પોગે છે." તો પુરુષ બૈરીની સમક્ષ જ મહારાજને રાવ કરતો કે, "પૂછોને એને : એવી એ જ મને મહેણા મારી ધકેલે છે !" જેવી બીડી–બજરની આદત, તેવી જ ચોરીની; તેથી કશું વિશેષ નહિ. હસમુખાં ને હેતાળવાં આ નરનારીઓ ! ભરાડી ગુનેગારો તો તેઓ સરકારી ગુના-તપાસની વિચિત્ર પદ્ધતિને પ્રતાપે જ બનતા. માટે જ ફરિયાદ ન કરવાનો કરાર એમણે લોકોનાં દિલ પર ઠસાવ્યો હતો; અને એવા વાજબી કારણસર જ પોલીસ ખાતાના કેટલાક નુકસાનીમાં આવી પડનાર માણસોને મહારાજની આ નવી પદ્ધતિ પ્રત્યે છૂપો, ઊંડો રોષ હતો. એ રોષને હવે મોકો મળશે !

માણસાઈના ઉપાસક માટે આ વિચાર વસમો થઈ પડ્યો. ફોજદાર કણભે પહોંચ્યો છે. એટલે પોતે જશે તો સારાવાટ નહિ રહે, એ વિચારે આખો દિવસ કઠાણામાં કાંતતા કાંતતા બેસી રહ્યા. પણ રાત પડી એટલે રહેવાયું નહિ. રાતના નવેક વાગે કણભે ચાલ્યા.

થોડે જતાં ઘોડે ચડેલા ફોજદાર સામે મળ્યા. એણે પૂછ્યું : "કાં, કણભે હીંડ્યાને, મહારાજ !"

"હા." શરમિંદો સ્વર વધુ ન નીકળ્યો.

"ઊભો રહો." ઘોડો થંભાવીને ફોજદારે દાઝ કાઢવાની તક ઝડપી : "આ બારૈયાઓને તમે બહુ વખાણો છો ના ! પણ સમજો, મે'રબાન, કે એ તો સોનાની ઝારી પણ ગૉંડ પિત્તળની ! ગમે તેવી તોય જાત ખોટી. અમે તો બધું જ સમજીએ. તમને પણ હવે સાચો અનુભવ મળી રે'શે !"

સોનાની ઝારી : બેઠક પિત્તળની ! કલેજું એ બોલથી ઉતરડાઈ ગયું.