આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
માણસાઈના દીવા
 

એ શું એમ ને એમ જશે ?" ત્રીજો કહે, "જવા તો ના દેવાય."

એટલે વાઘલાએ કોસ પરથી ઊતરીને બળદની રાશ નાખી દીધી અને ભાલો ઉપાડ્યો. ઉપાડીને એણે મુખીની પાછળ દોટ મુકી, અને દૂરથી હાક મારી કે, "ઊભો રે'જે - તારી માનો કણબો મારું !" મુખીએ પાછા ફરી સામું જોયું, તત્ક્ષણે જ વાઘલાનો ભાલો મુખીના શરીરમાં પરોવાઈ ગયો.

મુખી ભોંય પટકાઈ પડ્યો, અને વાઘલો નાઠો. બીજા બે હતા, તે પણ પલાયન થઈ ગયા. મુખી લોહીલુહાણ, ભોંકાયેલ ભાલે પડ્યો છે તે ખબર તો વડદલાથી ધર્મજ ભણતા જતા છોકરાઓએ જ્યારે વડદલા જઈ પહોંચાડી ત્યારે સૌ આવ્યા અને મુખીના શરીરને વડદલા ભેગું કર્યું.

વડદલાના, ધર્મજના - ચોપાસના પાટીદારોમાં આ બનાવે ખળભળાટ મચાવ્યો : પોતાની કોમના મુખીને માર્યો, કોંગ્રેસની લડતમાં જેણે મુખીપણું છોડ્યું હતું તેવા આપભોગ આપનારને માર્યો - અને કોંગ્રેસને પડખે ઊભા રહેનાર પાટીદારોની જપ્ત થયેલી જમીનો રાખી બેસનારા પાટણવાડિયાઓના જ જાતભાઈએ માર્યો ! જૂના કાળની ચાલતી આવેલી અદાવતની આગમાં ઘી હોમાયું. મુખીના મરતા શરીરને માથે ...ભાઈ આવી ઊભા રહ્યા.

...ભાઈ એક પ્રચંડકાય, વિકરાળ અને પોતાની મેલી વિદ્યાથી કંઈકને ધ્રુજાવનાર પાટીદાર આગેવાન હતા. પોલીસ અમલદાર અને પંચની સમક્ષ મરણસમાનું આખરીનામું લખાવતા પડેલા મુખીને એણે જ્યારે મારનાર તરીકે બે જ જણનાં નામ બતાવતો સાંભળ્યો ત્યારે એણે આંખો તાણી દાબ દીધો : "તું તો ચાલ્યો, પણ પાછળવાળાનું શું તેનો તો વિચાર કર ! ચાલ લખાવ -" એમ કહીને ...ભાઈએ બે ઉપરાંત બીજા પાંચ પાટણવાડિયાઓનાં નામ એ 'ડાઇંગ ડેકલેરેશન'માં દાખલ કરાવ્યાં. મુખીના પ્રાણ તો એ કંઈ હા-ના કરે તે પૂર્વે જ છૂટી ગયા હતા.

વડોદરાની સેશન્સ અદાલતમાં સચોટ પુરાવાના જોરથી અને અગ્ર