આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંધીજીનો જેલનો અનુભવ.

ભાગમાં આપણા ઘણાં માણસો આવ્યા ત્યારે જંતુનાશક પાણીથી પાયખાના હું પોતે જ સાફ રાખતો. પાયખાના ઉપાડી જવાનું કામ કરવા હમ્મેશાં નવ વાગે કેટલાક ચીના કેદીઓ આવતા. ત્યારબાદ દિવસના સફાઈ રાખવી હોય તો હાથોહાથ કામ કરી લેવું પડે છે. પથારીનાં પાટિયાં હમ્મેશાં રેતી અને પાણી વતી ધોવામાં આવતાં હતાં. અગવડ ભરેલું માત્ર એ જ જોવામાં આવતું કે તકિયા અને કામળી સેંકડો કેદીઓમાં વખતો વખત બદલાઈ જવાનો સંભવ હતો; જોકે કામળીઓ હમ્મેશ તડકે મૂકવી જોઇએ, છતાં તે નિયમ ભાગ્યે જ જાળવવામાં આવતો હતો. જેલનું ફળિયું હમ્મેશાં બે વખત સાફ કરવામાં આવતું હતું.

કેટલાક નિયમો.

જેલના કેટલાક નિયમો સૌને જાણવા જેવા છે. સાંજના પાંચ વાગે કેદીઓને પૂરી દેવામાં આવતા હતા. રાતના આઠ વાગ્યા બાદ સૌને ઉંઘી જવાની ફરજ છે, એટલે જો ઉંઘ ન આવે તો પણ પડ્યા રહેવું જોઈએ. આઠ વાગ્યા પછી માંહોમાંહે વાત કરવી એ કેદના ધારાનો ભંગ ગણવામાં આવે છે. કાફર કેદીઓ આ ધારો બરાબર સાચવતા નથી, તેથી રાતના પહેરેગીરો તેઓને ચૂપ રાખવાને સારૂ "ઠુલા ઠુલા" કહી દિવાલો ઉપર લાકડીઓ ઠોક્યા કરે છે. કોઇપણ કેદીને બીડી પીવાની સખત મનાઇ હોય છે, આ નિયમ ઘણી સાવચેતીથી જાળવવામાં આવે છે. પણ હું જોતો હતો કે બીડીના બંધાણી કેદી તે નિયમનો ભંગ છૂપી રીતે કરતા હતા. સવારના સાડા પાંચ વાગે ઉઠવાનો ઘંટ વાગે છે. તે વખતે દરેક કેદીએ ઉઠી હાથ મ્હોં ધોઇ નાખવાં જોઈએ, તથા પોતાની પથારી સંકેલવી