આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

ભોગવતા હતા તેથી હું ઈચ્છતો હતો કે અમલદારોની આશા પાર પડે. છતાં મારી ઉપર તહોમત કાયદાના ધારાની રૂએ હતું તેથી મને ધાસ્તી હતી કે વધારેમાં વધારે ત્રણજ માસ મળશે ને તેમજ થયું.

મિત્રોનો મિલાપ.

જેલ મળ્યા બાદ મિ૦ દાઉદ મહમદ, મિ૦ રૂસ્તમજી, મિ૦ સોરાબજી, મિ૦ પિલે, મિ૦ હજૂરાસિંગ, મિ૦ લાલબહાદુરસિંગ વિગેરે લડવૈયાઓને ઘણા હર્ષથી મળ્યો. દશેક સિવાયના બધાને જેલના મેદાનમાં તંબુમાં સૂવાની ગોઠવણ હતી. તેથી જેલના કરતાં લડાઈની છાવણી જેવો દેખાવ હતો. તંબુમાં સૂવાનું સૌને પસંદ હતું. ખાવાનું સુખ હતું. રસોઇ અગાઉની જેમ આપણેજ હાથ હતી. તેથી મનગમતી રીતે રાંધવાનું બનતું હતું. બધા મળીને ૭૭ કેદી (સત્યાગ્રહી) એકઠા થયા હતા.

જેલમાં કામ.

જેને બહાર લઈ જતા તેનું કામ સહજ અઘરૂ હતું. માજીસ્ટ્રેટની કચેરી આગળનો રસ્તો બાંધવાનો હતો તેને સારૂ પથરા ખોદવા પડતા, ટાછ ખોદવી પડતી, અને તેને સારવાં પડતાં. તે થઈ રહ્યા બાદ નિશાળના ચોગાનમાંથી ઘાસ ખોદવાનું હતું. પણ ઘણે ભાગે સૌ મજેથી કામ કરતા હતા.

આમ ત્રણેક દિવસ સુધી હું પણ સ્પેન (ટુકડીઓ) સાથે ગયેલો. દરમિયાન તાર આવ્યો કે મને બહાર કામ કરવા ન કહાડવો. હું નિરાશ થયો, કેમકે મને બહાર જવું પસંદ હતું. તેમાં મારી તબીયત સુધરતી હતી અને શરીર કસાતું હતું. સાધારણ રીતે