આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને એકલો'યું ! આંહી કોઈ ગાંધીનું માણસ ન ઢૂંકે, ન કોઈ મસલમાન ફરકે, કે ન કોઈ પોલીસ આપણું નામ લ્યે. આપને ભલા, ને આપનો ધરમ ભલો ! આપણી બાયડિયુંને ભોળવીને આ ધતિંગમાં ભેળવવા કયો બચ્ચો આંહીં ફાવવાનો હતો !" વગેરે વગેરે ચર્ચા કરતા લોકો હાથમાં ઝાલેલા ડંગોરા પછાડીપછાડી ભસતાં કૂતરાંને વધુ ઉશ્કેરતા હતા. ફરીવાર પાછી એ ઉકરડા ઉપર શૌચ કરતી સ્ત્રીઓની પંગત શરૂ થઈ ગઈ હતી, અને ઉપલે માળે ઊભેલો અનંત બબડતો હતો કે "આંહી તોપ માંડવી જોઈએ - તોપ !"

તે વેળા ઘોડાગાડીવાલો હાજર થયો. અનંત અને બાપુ નીચે ઊતર્યા. બાપુએ બાને કહ્યું: "ચાલો, બેન તૈયાર છે ને ?"

"બેન તો ઉપર હતી ને ?"

"ના, ક્યારે ? જુઓ તો !"

સાદ પાડ્યા. સહુ દોડીને ત્રણેય માળ ફરી વળ્યાં. મોટાભાઈએ તો મેડાનું કાતરિયું પણ તપાસ્યું.

"બેન ક્યાં ?"

એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના છ-સાત કૂવાઓ ઉપર પેટ્રોમેક્સ-બત્તીઓ બાળી, અંદર મીંદડીઓ નંખાવી પાણી ડોળી જોયાં. શ્રીમાળીની ન્યાતમાં ઘેર-ઘેર વાતો ચાલી કે "રાંડ ભાગી ગઈ ! ઠીક થયું ! બહુ ઉફાંદ કાંઈ સારી છે, બાપુ !"

[૩]

સવારના અગિયાર બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી. ઓરતોની બુરાકમાં મુકાદમની બૂમ પડી કે "બાઈ ભદ્રાની મુલાકાત !" એક ઘંટી દળાતી હતી, તે અટકી ગઈ. કપાળ અને હાથ ઉપર પાટા વીંટાળેલી ભદ્રાને ધક્કા મારતી ઓરત-મુકાદમ મરિયમ જેલને દરવાજે લઈ આવી. બાપુ અને ભાઈ ભદ્રાની મુલાકતે આવ્યા છે.

"જેલર સાહેબ !" ભદ્રાએ પૂરા તોરથી, વિજયના આનંદે ફૂલી ઊઠતા