આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

-સમૂહને સારુ એ બિનજરૂરી ગણાય.

'ચિંતાના અંગારા' (2 ખંડ) તેમ જ 'આપણા ઉંબરમાં' એ ત્રણેય નાનકડા સંગ્રહોને આ પુસ્તકમાં અને 'ધૂપછાયા'ને પહેલા ખંડમાં શામિલ કરી દઇને મેં મારી ઘણીખરી નવલિકાઓને, આમ, ખીલે બાંધી છે. બાકીની જે બહાર વેરણછેરણ છે તેમાં જો, અને જ્યારે, નવી નવલિકાઓ લખીને ઉમેરવાનો સમો આવશે, ત્યારે, એ 'મેઘાણીની નવલોકાઓ'ના ખંડ ત્રીજા તરીકે અપાશે.


રાણપુરઃ 9-8-’42
ઝવેરચંદ મેઘાણી
 

[આવૃતિ 2]


આ લઘુકથાઓને એના જોગું સ્થાન મળ્યું તે માટે વાચક-સમૂહનો ઋણી છું.

ટૂંકી વાર્તાના આલેખનનનો ઘણા સમયથી અટકી પડેલો પ્રવાહ 'ઊર્મિ'ના સંપાદક મારા સ્નેહી શ્રી ઇશ્વરલાલના ઉત્સાહ તેમ જ પ્રોત્સાહનના પરિણામે ફરી 'ઊર્મિ' માસિકમાં વહેતો થયો, અને એ વહેણને ભાઇ ઇશ્વરલાલ 'પ્રજાબંધુ' સાપ્તાહિક તરફ વાળી ગયા. પરિણામે નવો લઘુ-કથા સમૂહ, 'વિલોપન' નામથી, 'પ્રજાબંધુ'ની 1946ની વર્ષભેટ તરીકે, ગ્રંથસ્થ બન્યો છે.

'નવલિકા'ઓનો ખંડ ત્રીજો આપવાની ‘42ની સાલની ઉપરલખી ઉમેદ એ રીતે, 'વિલોપન' દ્વારા બર આવે છે.

આસ્તિકોને મન જે ઇશ્વર-કૃપા છે, પ્રારબ્ધવાદીઓ જેને પરમ ભાગ્ય કહી પિછાને છે, અને પુરુષાર્થવાદીઓ જેનો નિજસિદ્ધિ લેખે ગર્વ કરે છે, તે વસ્તુતઃ તો શું હશે ? કોણ જાણે. જનમ્યા-જીવ્યાની થોડીઘણી સાર્થકતા એ જ જીવનનું શેષ છે, અને એ મારી યોગ્યતા મુજબ મને લાધ્યું છે તેમ સમજું છું. શક્તિના કરતાં ઊચેરું નિશાન કદી તાક્યું નથી તેને માટે તો આટલું જ ગનીમત ગણાય.


અમદાવાદઃ 1946
ઝવેરચંદ મેઘાણી