આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ બધા ભણેલા-વંઠેલા, એટલે મારી દીકરીનો દિ' ઉઠાડી મૂક્યો. પરણ્યા પછી સાસરે ને સાસરે રાખી એમાં દીકરીનું ફટકી ગયું."

મંછાની ઢીલી પડેલી મગજ-શક્તિ ઉપર આ માઠા વિચારોના હથોડા પડવા લાગ્યા. ધણી તરફ એનો અણગમો શરૂ થયો. ધણીની સારવાર અને ઝીણીઝીણી ટંટાળ એને અકારી લાગી. વરે પોતાનાં માબાપને દૂભવ્યાં છે, દુનિયા ગિલા કરે એવું બેમરજાદ વર્તન કર્યું છે એવા એવા એના મનતરંગો એને થકવી દેતા, ને એ શુદ્ધિ હારતી; બબડતી: "તમે આમ કહો છો; મારાં બા-બાપા તેમ કહે છે: કોનું ખરું ? શીરો ખાવો કે મગનું પાણી પીવું ? ચોકો-પાટલો રાખવો કે આભડછેટ ન પાળવી ? નાના બાબલાને પરણાવીશું ? કે કુંવારો રાખશું ?... તમારી ખાદીને ચૂલામાં નાખો ને ! હું મારાં હીરચીર શીદ હોળીમાં નાખું ? ગાંધીના પંથ કરતાં મારા બાપનાં ગુરુનો પંથ ચડિયાતો છે !"

"મંછા ! ડાહી થા ! શાંત થા ! લે, પરસેવો લૂછી નાખું, પગ દાબું ?" એવું કહીને ધીરુ મંછાને પંપાળતો હતો. સાસુ બહાર બેઠી બેઠી નિસાસો નાખીને બોલતી કે,"ફટકી ગયું: બાપ રે, દીકરીનું ફટકી ગયું ! આણે કોણ જાણે શું કરી નાખ્યું !"

[૨]

"તમે ઝટ જાઓ, રામવાડીના બાવાજીને તેડી આવો."

"પણ ઓલ્યો આવી જશે તો ?"

"ના રે ના, એ તો ગયો છે ગોદડાનો ગાભો લઈને ધોવા. નદી ગાઉ એક છેટી છે. આવશે તે પે'લાં તો પતાવી લેશું."

ઓઘડ માસ્તર રામવાડીના બાવાને લઈને આવ્યા. બાવાજીની ઘનશ્યામ અઘોરી નગ્નતા તો સ્ત્રી-પુરુષ સર્વને તીર્થસ્વરૂપ વંદનીય હતી. પ્રથમ તો એમની ચલમને માટે સારામાં સારો ગાંજો તૈયાર રાખ્યો હતો, તેના ગોટેગોટ ધુમાડાનો ધૂપ દઈને પછી બાવાજીએ મંછાને પોતાની સામે બેસારી. રામ-કવચ, હનુમાન-કવચ અને ચંડીપાઠના એક પછી એક પાઠ બોલ્યા. પાણીની એક વાટકી ભરી, તેમાં પોતાના પગનો અંગૂઠો બોળી,