આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોલ્ડ'નું કાંડા-ઘડિયાળ લાવીને મારા રમણને આપ્યું. ધક્કો મારીને એ શરમાળને બાજુના ઓરડામાં આ બધી ભેટો દેવા મુક્તા પાસે મોકલ્યો. મુક્તાને એ બધા શણગાર પહેરાવી મેં ફોટા સુધ્ધાં લેવરાવ્યા."

"ઓહોહોહો ! આટલી હદ સુધી !" પુત્રના લગ્નનું આવું સંવનન પોષનાર ડોસા પ્રતિ પ્રો. ઇન્દ્રજિતને માન ઊપજ્યું. "ત્યારે તો તમે ન્યાતમાં સુધારાના છૂપા આદ્યપ્રેરક ગણાઓ, સુખદેવભાઇ !"

"હા, ભાઇ ! પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાણને મોટે સાદે પૂછ્યુંય ખરું કે, 'કેમ ! મુક્તાને મારું ગરીબ ઘર ગમશે કે ?' ત્યારે વેવાણ બોલેલાં પણ ખરાં કે, 'કેમ ન ગમે ? આવી રાજસાયબી બીજે ક્યાં મળવાની હતી ! મુક્તા જો મૂરખી હોય તો જ મન સંકોડે !' મેં કહ્યું કે, 'વેવાણ ! મુક્તાને મોંએ હેતનો હાથ ફેરવનાર રમણની બા જો આજ જીવતી હોત તો હું સ્વર્ગનું સુખ પામત. પણ એ ખોટ હું ક્યાંથી પૂરું ?' આ સાંભળીને તો મુક્તાની આંખો પણ પલળેલી હતી એમ મને અમારી ઘાટણે પાછળાથી કહેલું."

"હું તો આ સાંભળીને વધુ દ્રઢ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે. એને તો ચોટલે ઝાલીને -"

"હજુ સાંભળી લ્યો. આમ દીકરીનું દિલ ઠારીને બધાં પાછાં ગયાં. પાછળથી મેં મારા રમણને મુક્તા પર કાગળ લખતો કર્યો. અંદર ટાંકવા હું એને સારી કવિતાઓ પણ શોધી આપતો. ચિત્રો બિડાવતો. ઘણી વાર રમણના કાગળો હું ટપાલમાં નખાવતાં પહેલાં ફોડીને..." આંહીં ડોસાને એની વ્યવહારબુદ્ધિએ 'બ્રેક' મારી, ને એણે વાત કાપી નાખી: "હાં ! મતલબમાં બન્યું એવું કે લગ્નનો દિવસ આવી પહોંચ્યો, ને અમે સૌ જાન લઈને જ્યારે છેક રવાના થયા, ત્યારે એ છોકરીએ અવળચંડાઇ માંડી. ઓરડીમાં પુરાઈને રડવું શરૂ કરેલું. એની માએ પંપાળીને પૂછેલું કે, 'શું છે ? રમણલાલ નથી ગમતા ? ઘર નથી ગમતું ? શી બાબતનો તને અસંતોષ છે તે કહે.' પણ ઢોંગીલીએ માના ખોળામાં માથું દાટીને એટલું જ કહેલું કે, 'મને કારણબારણની કાંઈ ખબર નથી પડતી. પણ મારે નથી પરણવું -