આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


મોરલીધર પરણ્યો

"એ... સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે."

"એ... ભાઇ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે."

"એ... આ પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો."

રોજ સવાર પડે અને શેરીએ શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય. ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેરઘેર આ નોતરાં ફેરવતા હતા.

અપચાના ઓડકાર ખાતાં ખાતાં ઘરઘરનાં લોકો કહેતાં કે "હવે તો રોજ રોજ ગળ્યું જમવાનું ભાવતું નથી."

"પણ આજ તો હરખ-જમણ છે, એટલે દૂધપાક-પૂરી હશે."

"હા, તો તો જશું." એમ ખાવાની લાલસા થાકીપાકી છતાં આળસ મરડીને, હિંમત રાખીને, હોશિયાર બનીને જઠરમાં જાગ્રત થતી.

ઘચરકા-વિકારની દવા કરાવવા માટે વૈધની દુકાને ચડેલો દર્દી 'તમારે હમણાં પખવાડિયું ચરી પાળવી પડશે..." એવી વૈધરાજની માગણી સાંભળીને ઊભો થઈ જતો; કહેતો કે, `તો તો અઠવાડિયા પછી જ વાત; હમણાં ન્યાતમાં ને સગાંવહાલાંમાં વિવાડો છે અને દેખીપેખીને ચરી પાળવા ક્યાં બેસીએ, ભાઇસાહેબ !'

એવો એ મહાન વિવાડો હતો. જમણ-ભોજન સિવાયનું સર્વ જગત ક્ષણભંગુર હતું. પ્રજા પાસે દોલત નથી, એ વાત ગલત હતી. લોકોનાં હૈયાંમાં ગુલામીની વેદના સળગે છે, એ કથન વાહિયાત હતું. પ્રજાએ, ઓહોહો, કેવી સમદ્રષ્ટિ કેળવી હતી ! જવાલામુખીના શિખર પર બેસીને