આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માંડવડે કાંઇ ઢાળોને બાજોઠી,
કે કંકુ ઘોળો રે કંકાવટી...

એ ગીત ગવાઇ ગયા પછી -

કે રાયવર, વેલેરો આવ !
સુંદર વર, વેલેરો આવ !
તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે...

- એ રસભર્યુ, કન્યાના હ્ર્દયમાં નવવસંતના વાયુ-હિલ્લોળ જગવતું, પોઢેલા પ્રેમપંખીને હૈયાના માળામાંથી જાગ્રત કરતું, સ્થળ-કાળના સીમાડા ભૂંસાડીને હજારો યોજન પર ઊભેલાં વિજોગીઓની વચ્ચે મિલન કરાવતું, તલસાવતું, પલ-પલની વાટડીને પણ યુગ સમી વસમી કરી મૂકતું બીજું ગીત ઊપડ્યું, અને અહીં બ્રાહ્મણના મંત્રોચ્ચાર મંડાયા, નગરશેઠે લેખણ લઈ લગ્ન કંકોતરી લખવા માંડી ત્યારે સહુના કાન ફાડી નાખે તેવો આર્તનાદ પડખેના મેડામાંથી સંભડાયો. એ રુદનમાં હજાર વીંછીના ડંખો હતા; એકસામટા સાત જુવાનજોધ પુત્રો ફાટી પડ્યાની વેદના હતી. એવું રુદન માનવીના ગળામાંથી જીવનમાં એકાદ વાર માંડ નીકળે છે. જાણે કોઇ સળગતા ઘરની અંદરથી પંદર માણસોનો આખો પરિવાર ઊગારવા માટે ચીસો પાડી રહ્યો છે.

"આ શું થયું ?" કોણ રુવે છે?" પૂછતાં સહુ સ્તબ્ધ બન્યા. વિલાપ વધારે વેધક બન્યો. રસ્તે રાહદારીઓ ઊભા રહી ગયાં. જાણે કોઇની હત્યા થતી હતી.

"કોણ રુવે છે ?"

હરિચંદ જોવ જાય ત્યાં તો ચોધાર આંસુડે છાતીફાટ રોતો, જાણે ગાંડો થઈ ગયો હોય તેવો એનો પિતા આવ્યો. ચિતાના ઢેળાખામાંથી બળતુંબળતું શબ ઊઠ્યું હોય એવી એની દશા હતી.

"આ શું ! બાલીસ્ટર કેમ રુએ છે ! શું છે, બાલીસ્ટર !"

નાના બાળકની માફક તરફડિયાં મારીને રોતો, કપાળ કૂટતો ચંપાનો પિતા બોલી ઊઠયો: "મારી ચંપાને ગરદન મારો, ચાય કૂવે હડસેલો; પણ