આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયો ! બીજા કૈંક પડ્યા રહ્યા."

"કેમ શું કન્યા બહુ રૂપાળી મળી ?" મામીએ પોતાની મતિ પ્રમાણે 'ખાટી જવા'નો અર્થ બેસાર્યો.

"સસરાજી શાહુકાર મળ્યા ?" દાક્તર સાહેબે પોતાના ગજથી માપ્યું.

"બધી વાતે ઘેડ્ય બેસી ગઇ. ભલા માણસ !" મામાની સૂડી જોરથી ચાલી."કન્યા રૂપાળી ને ભણેલીગણેલી. સાસરાનો ધીકતો વેપાર, અને એ કન્યા સિવાય બીજું કોઇ સંતાન ન મળે - અને હવે થવાનો સંભવ નથી, હો ભનાભાઇ ! મૂંઝાશો મા !" એમ કહીને મામાએ ફરીવાર શરમાવાનો પાઠ ભજવવાની તક દીધી.

દાક્તર સાહેબે પોતાના અનુભવના બોલ કહ્યાઃ "બસ, તો તો પછી હવે નાહકનું ભનાભાઇએ બી.એ. સુધી ટિપાવા શીદને જવું ! સાચી કોલેજ સસરાની પેઢી. વેપારમાં પાવરધા બનીને પછી એક આંટો અમેરિકા મારી આવે, એટલે વિદ્યા... વિદ્યાઃ હાઉં મારા ભાઇ ! આમ રઝળ્યે આરો નહી આવે. અને કાલની કોને ખબર છે, યાર ! હું તો કહું છું કે પરણી પણ વેળાસર લેવું . જે કંઇ સ્થિતિ બંધાઇ જાય તે આપણા બાપની. બાકી, સમય બહુ બારીક છે, યાર !"

"થઇ રહેશેઃ બધું જ ઘીને ઘડે ઘી થઇ રહેશે." મામાના હાથ સોપારી વાંતરતા હતા, પણ એના કપાળની પાછળ અનેક વેતરણો ચાલુ હતી. લમણાંની નસો ફુલાઇને બહાર નીકળી હતી. તે ઉપરથી જણાઇ આવે કે અંદર એકસામટી ઘણી ક્રિયાઓ ચાલી રહેલ છે. દાક્તરે કહ્યું: "ભાઇ ! હું તો અંગત અનુભવની વાત હોવાથી કહું છું. અમારે બિન્દુની વહુને એક વર્ષથી જ્વર લાગૂ પડ્યો છે. પણ ખૂબ કાળજી લઇ ઇન્જેક્શનો ઉપર ઇન્જેક્શનો આપ્યે જઇએ છીએ. બે વર્ષ એમ-નાં એમ કાઢી નાખે ને, તો એની દાદીનો તમામ વારસો બિન્દુને મળી જાય તેમ છે. મોટી સાસુ બે વર્ષમાં તો સ્વધામ પહોંચવાનાં જ, એટલે વહુ જો બે વર્ષ ખેંચી કાઢે ના, તો બિન્દુને બે પેઢીની નિરાંત -"

"થઇ રહેશે. અને તેમ છતાં આપણે ક્યાં ભનાભાઇને પૈસા સાટુ